જયપુરઃ રાજસ્થાનના ઉદેપુરમાં નુપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરનારા કન્હૈયાલાલ નામના દરજી શ્રમજીવીની કટ્ટરપંથીઓએ કરેલી ઘાતકી હત્યાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યાં છે. દરમિયાન રાજસ્થાનમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથડી હોય તેમ માત્ર છ મહિનાના સમયગાળામાં સાંપ્રદાયિક તણાવના ચાર જેટલા બનાવો બન્યાં છે. એટલું જ નહીં ગહેલોત સરકારને 3 વખત કરફ્યુ લગાવવાની ફરજ પડી હતી.
સુત્રોના જણાવ્યા અનુસાર રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારના સાડા ત્રણ વર્ષના શાસનકાળમાં અત્યાર સુધીમાં કોમી તોફાનોની છથી વધારે ઘટના બની છે. ચાલુ વર્ષે 2022માં માત્ર 6 મહિનાના શાસનકાળમાં સાંપ્રદાયિક તણાવની ચાર ઘટનાઓ બની હતી. બગડતી કાનૂની વ્યવસ્થા અને સાંપ્રદાયિક તણાવની ઘટનાઓ વચ્ચે ગુપ્તચર એજન્સીઓની નાકામી સરકારની કામગીરી ઉપર અનેક સવાલો ઉભા કરે છે. કાયદો વ્યવસ્થાને લઈને હવે સરકાર ઉપર પણ સવાલ થઈ રહ્યાં છે. ગૃહમંત્રાલય પણ મુખ્યમંત્રી અશોક ગહેલોત પાસે છે ત્યારે કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને મુખ્યમંત્રી ગહેલોતની કામગીરી ઉપર અનેક સવાલો ઉભા થયાં છે.
7મી ડિસેમ્બર 2018ના રોજ સરકારની રચનાથી લઈને અત્યાર સુધીના સાડા ત્રણ વર્ષના કાર્યકાળમાં કોમી તણાવની છથી વધારે ઘટના બની છે. ખરાબ વ્યવસ્થા અને વધતી ગુનાખોરીને લઈને કોંગ્રેસ સરકાર ઉપર વિપક્ષ આકરા નિશાન કરે છે. વિધાનસભા ગૃહથી લઈને રસ્તા ઉપર વિપક્ષ કોંગ્રેસ સરકારને ઘેરવાના પ્રયાસ કરી રહ્યું છે. સાડા ત્રણ વર્ષના સમયગાળામાં ઉદેપુર, જયપુર, માંડલ, છબડાં, માલપુરા, કરૌલી અને જોધપુરમાં કોમી તણાવની ઘટનાઓ બની હતી.