અમદાવાદઃ શહેરના સિંધુ ભવન વિસ્તારમાં એક નવા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. સિંધુ ભવન વિસ્તારમાં શહેરીજનો મોડી રાત સુધી ફરતા હોય છે અને ત્યાં રાતના સમયે પણ ભીડ રહેતી હોય છે. ત્યારે આ વિસ્તારમાં પોલીસ સ્ટેશનની સાથે સાથે ટેકનોલોજી પણ સર્વેલેન્સ કરાશે એટલે કે નવો ડ્રોન સ્કોડ અહીં તૈયાર કરવામાં આવ્યો છે. તે આખા સિંધુ ભવન વિસ્તારમાં ડ્રોન સર્વેલન્સ કરશે અને તેના ફૂટેજ પોલીસ સ્ટેશન સુધી પહોંચાડશે. આ પગલાંથી આ વિસ્તારમાં થતી ડ્રગ્સની પ્રવૃત્તિ પણ નાબૂદ થઈ શકશે.
અમદાવાદમાં સિંધુ ભવન વિસ્તાર પોશ વિસ્તારમાંનો એક છે અને અહીં કહેવાતી હાઈફાઈ પબ્લિક રહે છે. અહીં ફરવા આવનારા લોકો શિક્ષિત હોવાને લીધે અંગ્રેજી બોલતા હોય છે. તેને ધ્યાનમાં રાખીને નવા બોડકદેવ પોલીસ સ્ટેશનમાં પણ પોલીસ ઇન્સ્પેક્ટર અંગ્રેજી બોલતા અને જાણતા હોય એવા અભિષેક દવેને પોસ્ટિંગ અપાયું છે. શહેરના યુવાનોએ ભાગ્યે જ સિંધુભવન રોડ જોયા નહીં હોય, કારણ કે દરેકને આ રોડ પર આવીને પોતાના મિત્રો સાથે હરવું ફરવું હોય છે. પોતાના મિત્રો સાથે સલામત રીતે હેન્ગ આઉટ કરવું હોય છે. એક નવી જગ્યાએ આવીને ખાણીપીણીની મજા માણવી હોય છે. ત્યારે આ વિસ્તારની સુરક્ષા પણ એટલી જરૂરી બની છે. તેથી જ અહીં નવું પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. શહેરમાં 49મું બોડકદેવ પોલીસ સ્ટેશન બન્યું છે. નવું પોલીસ સ્ટેશન મુખ્ય માર્ગ પર બાગબાન પાર્ટી પ્લોટ પાસે બનાવવામાં આવ્યું છે. બહારથી દેખાતું સામાન્ય પોલીસ સ્ટેશન તમામ વ્યવસ્થાયુક્ત છે. ઘણી વ્યવસ્થા આખા રાજ્યમાં પહેલી વખત જ હોય તેવું આયોજન અહીં કરવામાં આવ્યું છે. બોડકદેવ પોલીસ સ્ટેશનમાં આખા રાજ્યમાં સૌપ્રથમ વખત ડ્રોન સ્કવોર્ડ બનાવવામાં આવી છે, જે અહીંથી ઓપરેટ થશે. આખા સિંધુ ભવન પર ડ્રોન ઉડાડીને શંકાસ્પદ ગતિવિધિ પર નજર રખાશે. તમામ ફૂટેજ ડ્રોન સ્કવોર્ડના સેન્ટર પર પહોંચાડશે તેના આધારે પોલીસ કાર્યવાહી કરી શકશે. અહીં ડ્રગ્સ ચકાસણી માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કીટના આધારે ડ્રગ્સ ચકાસણી કરી શકાશે. જો કોઈએ 48 કલાકમાં કોઈ ડ્રગ્સ લીધું હશે તો તેની તપાસ કરી કાર્યવાહી કરી શકાશે.