Site icon Revoi.in

ગાંધીનગરમાં વીર ભગતસિંહ સરકારી વસાહતનું CMએ કર્યું લોકાર્પણ

Social Share

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં રાજ્ય સરકારના કર્મચારીઓ માટે રૂ.149.80 કરોડના ખર્ચે નવનિર્મિત 560 બહુમાળી આવાસોનું લોકાર્પણ ધનતેરસના પર્વએ પ્રારંભે કરીને કર્મચારીઓને રાજ્ય સરકાર તરફથી દિપાવલી ભેટ અર્પણ કરી હતી. રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા નિર્માણ પામેલા ‘બી’ ટાઇપના 280 અને ‘સી’ ટાઇપના 280 આવાસોની આ વસાહતના લોકાર્પણ અવસરે માર્ગ મકાન મંત્રી પૂર્ણેશ મોદી, સાંસદ નરહરિ અમીન, ગાંધીનગરના નવનિયુકત મેયર હિતેશ મકવાણા, ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ, નગરસેવકો, અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યના મુખ્યમંત્રીએ આવાસોના લોકાર્પણ સમયે એક દિકરી પાસે કુંભ મૂકાવી ગૃહ પ્રવેશ કરાવ્યો હતો અને ‘સી’ ટાઇપ આવાસ બ્લોકની પ્રત્યક્ષ મૂલાકાત લઇને પૂરી પાડવામાં આવેલી સુવિધાઓનું બારીકાઇથી નિરીક્ષણ કર્યુ હતું. આ વસાહતના આવાસોમાં વીટ્રીફાઇડ ટાઇલ્સ, ફિક્સ ફર્નિચર, PNG ગેસ પાઇપ લાઇન કનેકશન, લિફટ, ફાયર સેફટી સુવિધા, ચિલ્ડ્રન પ્લે એરિયા, ગાર્ડન, વિશાળ પાર્કિંગ અને સિક્યુરિટી કેબિન જેવી અદ્યતન સવલતો પણ પૂરી પાડવામાં આવી છે તેની જાણકારી મુખ્યમંત્રીએ મેળવી હતી.

તેમણે આવાસ ફાળવણી પત્રોનું પ્રતિક રૂપે પાંચ લાભાર્થી કર્મયોગીઓને વિતરણ પણ કર્યુ હતું. સરકારી વસાહતોને રાષ્ટ્રવીરોનું નામાભિધાન આપવાની નવતર પરંપરા રૂપે આ 560 આવાસોની વસાહતને ‘વીર ભગતસિંહ નગર’ નામ આપવામાં આવ્યું છે. ગાંધીનગરમાં પાછલા પાંચ વર્ષમાં શ્યામજીકૃષ્ણ વર્મા પાર્ક, વીર સાવરકર નગર અને વંદેમાતરમ પાર્ક નામકરણ સાથે કુલ 1120 આવાસો રૂ. 219 કરોડના ખર્ચે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તૈયાર કરી લાભાર્થી કમર્યોગીઓને આવાસ સુવિધા પૂરી પાડવામાં આવી છે. એટલું જ નહીં, 1456 આવાસોનું રૂ. 365 કરોડના ખર્ચે નિર્માણ કાર્ય પ્રગતિમાં છે.