Site icon Revoi.in

ગુજરાતમાં 12થી 14 વર્ષની વયના 22 લાખથી વધુ બાળકોને વેક્સિન આપવાનો CMએ કરાવ્યો પ્રારંભ

Social Share

ગાંધીનગરઃ સમગ્ર ગુજરાતમાં 12થી 14 વર્ષની વયજૂથના 22 લાખથી વધુ બાળકોને કોરોનાની રસી આપવાનો આજથી પ્રારંભ કરાયો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર શહેરની બોરીજ પ્રાથમિક શાળાએથી વેક્સિનેશનનો પ્રારંભ કરાવ્યો હતો.રાજ્યના આરોગ્ય વિભાગ પાસે આ હેતુસર કોર્બેવેક્ષ નામની રસીના 23.5 લાખ ડોઝ ઉપલબ્ધ છે અને તે કોલ્ડ ચેઇન પોઇન્ટ સુધી પહોચાડવામાં આવ્યા છે. તેને 2થી 8 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન પર સ્ટોર કરવામાં આવે છે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વેક્સિનેશન કામગીરીમાં સેવા આપી રહેલા આરોગ્ય કર્મીઓની સાથે પણ વાતચીત કરી હતી. તેમણે ડોઝ અંગેની વિગતો મેળવી હતી અને આ સરાહનીય કામગીરીને બિરદાવી હતી.મુખ્યમંત્રીએ કહ્યું કે વડાપ્રધાન મોદીના માર્ગદર્શનમાં સમગ્ર દેશ અને રાજ્યમાં 16 જાન્યુઆરી-2021થી વિના મૂલ્યે કોવિડ-19 વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. તબ્બકા વાર વય જૂથ પ્રમાણે સૌને રસીકરણથી આવરી લઈ કોરોના સામે રક્ષણ આપવાનું મહાઅભિયાન દેશમાં સફળતા પૂર્વક આગળ વધ્યું છે. ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ હવે 16મી માર્ચ-2022થી 60 વર્ષથી વધુ વયના તમામ લાભાર્થીઓને પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત થઇ છે. આ વયજૂથમાં વેક્સિનનો બીજો ડોઝ લીધાના 9 મહિના, અથવા 39 અઠવાડિયા બાદ જ પ્રિકોશન ડોઝ લેવાનો રહેશે. બન્ને ડોઝ જે વેક્સિનના લીધા હોય તે જ વેક્સિનનો પ્રિકોશન ડોઝ લેવાનો રહેશે. વેક્સિનેશન કામગીરીના આ પ્રારંભ વખતે ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા તેમજ મ્યુનિના પદાધિકારીઓ, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશનર ધવલ પટેલ, જિલ્લા કલેકટર કુલદીપ આર્ય વગેરે પણ જોડાયા હતા.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે,  ભારતીય વૈજ્ઞાનિકોએ ખૂબ જ ટૂંકા ગાળામાં સ્વદેશી વેક્સિન બનાવી તેમાં પણ બાળકો માટે ગણતરીના મહિનાઓમાં વેક્સિન ઉપલબ્ધ કરાવીને વૈશ્વિક સ્તરે ભારતીય વૈજ્ઞાનિકોની સંશોધન શક્તિનો પરચો કરાવ્યો છે. 12 થી 14ની વયના બાળકો માટે આરંભાયેલા રાજવ્યાપી કોરોના રસીકરણ મહાઅભિયાન અંતર્ગત રાજ્યના 22 લાખથી વધુ બાળકોને બે હજારથી વધુ કેન્દ્રો પર વેક્સિનેટ કરવાની કામગીરી યુધ્ધના ધોરણે આરંભવામાં આવી છે. બાળકોને શાળાઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને અર્બન હેલ્થ સેન્ટર ખાતે કોર્બેવેક્સ વેક્સિનનો પ્રથમ ડોઝ આપીને સુરક્ષા કવચ પ્રદાન કરવામાં આવશે.