રાજકોટઃ કોંગ્રેસની જેમ ભાજપમાં પણ હવે જુથવાદ અને આંતરિક મતભેદો જોવા મળી રહ્યા છે. રાજકોટના ભાજપના કોર્પોરેટરોમાં ચાલતી ટાંટિયાખેચને લીધે વિકાસના કામો પર અસર પડી રહી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાજકોટની મુલાકાત દરમિયાન ભાજપના કોર્પોરેટરો વચ્ચેની જુથબંધી જોવા મળી હતી. આથી મુખ્યમંત્રીએ ગાંધીનગર પહોંચીને ભાજપના તમામ કોર્પોરેટરોને ગાંધીનગર બોલાવ્યા હતા. આથી રાજકોટ ભાજપના કોર્પોરેટરોએ મંગળવારે સીએમ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. સીએમએ તમામને સંપ જાળવી રાખવા સલાહ આપી હતી. પક્ષમાં જુથબંધી ચલાવી લેવાશે નહીં એવો પરોક્ષરીતે સંદેશ પણ આપી દેવામાં આવ્યો હોવાનું કહેવાય છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાજકોટની મુલાકાત દરમિયાન રાજકોટના મેયરે બે ત્રણ પ્રશ્નોની રજૂઆત કરી હતી. તેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રાજકોટના ભાજપના તમામ 68 કોર્પોરેટરને મળવાની મંજૂરી આપતા ગઈકાલે મંગળવારે મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની આગેવાનીમાં 61 કોર્પોરેટર ગાંધીનગર પહોંચ્યા હતા અને સીએમ હાઉસ ખાતે ભૂપેન્દ્ર પટેલ સાથે ભોજન પણ લીધું હતું. ભૂપેન્દ્ર પટેલે તમામ કોર્પોરેટરને સંપ જાળવી રાખવા તેમજ ઝડપી વિકાસ થાય તે માટે સામુહિક આયોજન કરવા ભલામણ કરી હતી.
રાજકોટના મેયર પ્રદીપ ડવે મુખ્યમંત્રી સમક્ષ નાનામવા રોડ પર શાળાને મંજૂરી આપવા તેમજ સોમનાથ સોસાયટીના મ્યુનિ.ના પ્લોટના હેતુફેરના મુદ્દે રજૂઆત કરી હતી જેનો સીએમએ હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. તમામ કોર્પોરેટરને મુખ્યમંત્રીનું તેડું આવતા તર્કવિતર્ક શરૂ થયા હતા. તાજેતરમાં જ પ્રદેશ પ્રમુખ પાટિલે શિક્ષણ સમિતિના તમામ સભ્યોને બોલાવી રાજીનામા લઇ લીધા હતા. ત્યારે કોર્પોરેટરોની પણ સમૂહમાં બોલાવાત ચર્ચા જાગી હતી. જો કે, સારા માહોલમાં મુલાકાત પૂર્ણ થતા તમામે હાશકારો અનુભવ્યો હતો. (FILE PHOTO)