Site icon Revoi.in

શહેરોમાં ટેસ્ટીંગથી ટ્રીટમેન્ટ સુધીની વ્યવસ્થા વધારે સુદ્રઢ બનાવવા CM રૂપાણીએ કરી તાકીદ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા ચિંતામાં મુકાયેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના આઠેય કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ચર્ચા કરી હતી. કોરોના ટેસ્ટીંગથી ટ્રીટમેન્ટ સુધીની વ્યવસ્થા વધારે સુદ્રઢ બનાવવા સૂચના આપી હતી. તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ સાથે પણ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાત કરી હતી.

સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના આઠ શહેરમાં 60 ટકાથી વધારે પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જેથી કોર્પોરેશનના પદાધિકારીઓએ કોરોનાને નિયંત્રણ માટે મહત્વની ભૂમિકા ભજવવી પડશે. ગુજરાતમાં અગાઉ દૈનિક ૩૦૦ કેસને બદલે અત્યારે 6 હજારથી વધુ કોરોનાના કેસ નોંધાઈ રહ્યાં છે. એટલે કે થોડા સમયમાં ખૂબ મોટો ઉછાળો આવ્યો છે. કોરોના પર નિયંત્રણ લાવવા માટે મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રકચર, ટેસ્ટિંગ અને ટ્રેસિંગમાં વધારો, હોસ્પિટલોમાં નવા બેડ, ઓક્સિજન અને વેન્ટિલેટરની વ્યવસ્થા, રેમડેસિવિર ઈન્જેક્શન સહિતની તમામ વ્યવસ્થા ઉપલબ્ધ છે. ત્યારે અનેક પડકારો ઝીલીને આપણે સાથે મળીને સંક્રમણ આગળ વધતુ અટકાવવું પડશે. છેલ્લાં 15 દિવસમાં સરકારે 18 હજાર નવા કોરોના બેડ ઉભા કર્યાં છે. ગુજરાત સરકારે કોરોનાની સારવાર માટે વિવિધ હોસ્પિટલોને મંજૂરી, રેમડેસિવિર ઈન્જેક્શન, વેક્સિનેશન તેમજ મેડિકલ સ્ટાફ સહિતની તમામ જરૂરી વ્યવસ્થાઓ પૂરતા પ્રમાણમાં કરી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં મર્યાદિત કંપનીઓ રેમડેસિવિર ઈન્જેક્શન બનાવે છે તેમ છતાં પણ અન્ય રાજ્યોમાંથી 20 હજાર ઈન્જેક્શન ઉપલબ્ધ કરાવાય છે. જેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તેવા લોકોને જ રેમડેસિવિર ઈન્જેક્શનની જરૂર પડતી હોય છે એટલે બિનજરૂરી રેમડેસિવિરનો ઉપયોગ ટાળવો જોઈએ. હાલ રાજ્યમાં પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે 1.30 લાખથી વધારે ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. જે વિસ્તારમાં પાંચથી વધારે પોઝિટિવ કેસ આવે તેને માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવા જોઈએ. શહેરોમાં બેડની સુવિધા, ઓક્સિજન, વેન્ટિલેટર અને રેમડેસિવિર ઈન્જકેશન જેવી જરૂરી તમામ સુવિધાઓ વધારવામાં આવી રહી છે.