મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીધી જૂનાગઢની મુલાકાત, નરસિંહ મહેતા યુનિવર્સીટીના પ્રથમ પદવીદાન સમારોહમાં આપી હાજરી
- સીએમ રૂપાણીએ લીધી જૂનાગઢની મુલાકાત
- નરસિંહ મહેતા યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં રહ્યા હાજર
- શિક્ષણમંત્રી પણ રહ્યા હતા હાજર
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે જૂનાગઢની મુલાકાત લીધી. પોતાની જૂનાગઢની મુલાકાત દરમિયાન તેઓ નરસિંહ મહેતા યુનિવર્સીટીના પ્રથમ પદવી દાન સમારોહમાં પણ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન તેમની સાથે રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને વિભાવરીબેન દવે પણ હાજર રહ્યા હતા.
જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના ઓડિટોરિયમ ખાતે જાણીતા ભાગવત કથાકાર રમેશ ઓજાને માનદ ડૉક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી..જૂનાગઢના 30, પોરબંદરના 36 અને દ્વારકા-ગીર-સોમનાથના 254 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી અને 54 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા.
આ ઉપરાંત મુખ્યમંત્રીએ જૂનાગઢના ઐતિહાસિક ધરોહર ઉપરકોટના કિલ્લાનું 45 કરોડના ખર્ચે ચાલી રહેલ રીનોવેશનની પણ મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીના કાર્યક્રમમાં તમામ લોકોને સોશિયલ ડિસ્ટન્સ સાથે બેઠક વ્યવસ્થા હોવા છતાં પ્રથમ હરોળમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો.
આ તકે જિલ્લા કલેકટર, કમિશ્નર, મેયર, જીલ્લા ભાજપ પ્રમુખ, શહેર ભાજપ પ્રમુખ, ડીડીઓ સહીતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા પરંતુ તેમના વચ્ચે સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો..ત્યારે સામાન્ય લોકો માટે નિયમો લાગુ પરંતુ અધિકારીઓ અને પદાધિકારીઓ માટે છુટછાટ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા..