દિલ્હી: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે રાત્રે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર શાહ સાથેની મુલાકાત દરમિયાન બંને નેતાઓએ કેબિનેટ વિસ્તરણ અંગે ચર્ચા કરી હતી.
મહારાષ્ટ્રમાં સત્તાધારી ગઠબંધનમાં તિરાડના અહેવાલો વચ્ચે આ બેઠક થઈ છે. વાસ્તવમાં, શિંદે સરકારમાં સામેલ ડેપ્યુટી સીએમ અજિત પવારે મંગળવારે મુંબઈમાં યોજાયેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં હાજરી આપી ન હતી. ત્યારથી રાજ્યનું રાજકીય તાપમાન વધી ગયું છે. અટકળો ચાલી રહી છે કે અજિત નારાજ છે.
નોંધનીય છે કે અજિત પવારે તેમના કાકા અને એનસીપી પ્રમુખ શરદ પવાર સામે બળવો કર્યો હતો અને શિંદેની આગેવાની હેઠળની સરકારમાં જોડાયા હતા. તેમણે NCPના બે તૃતીયાંશ ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો હતો.પવારનું કહેવું છે કે તેમનું જૂથ અસલી એનસીપી છે. શરદ પવારની આગેવાની હેઠળના જૂથે NCP અને પાર્ટીના ચૂંટણી ચિન્હ પર અજિત પવારના દાવાઓનો વિરોધ કર્યો છે અને ચૂંટણી પંચમાં રજૂઆત કરી છે. ચૂંટણી પંચ શુક્રવારે NCPના બંને જૂથોની અરજી પર સુનાવણી કરી શકે છે.
સૂત્રોનું માનીએ તો કેબિનેટનું ત્રીજું વિસ્તરણ થોડા દિવસોમાં થઈ શકે છે. હજુ 14 મંત્રી પદ બાકી છે. જેમાં અજિત પવાર માંગ કરી રહ્યા છે કે તેમના જૂથને એક કેબિનેટ અને 2 રાજ્ય મંત્રી પદ આપવામાં આવે, તો બીજી તરફ અજિત પવાર પૂણેના પાલક મંત્રી પદની માંગ કરી રહ્યા છે. ત્યાં ભાજપના વરિષ્ઠ નેતા ચંદ્રકાંત દાદા પાટીલ પાલક મંત્રી છે. ઉલ્લેખનીય છે કે અજિત પવારની વહીવટીતંત્ર પર પકડ છે. ઘણા વર્ષો સુધી મંત્રી હોવાનો અને ઘણા મંત્રાલયોમાં કામ કરવાનો ઊંડો અનુભવ ધરાવે છે