Site icon Revoi.in

સીએમ વિજય રૂપાણી આજે ભાવનગરમાં 70 કરોડના વિકાસલક્ષી કાર્યોની ભેટ આપશે

Social Share

ગાંધીનગર : મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે ભાવનગરમાં 70 કરોડના વિકાસલક્ષી કાર્યોની ભેટ આપશે. જાણકારી અનુસાર રૂપાણી સરકારના આ કાર્ય બાદ ભાવનગરના લોકોને આરોગ્ય સુવિધાના રૂ. 70 કરોડના વિકાસ કામોની ભેટ મળશે.મુખ્યમંત્રી ભાવનગરમાં ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટીટયુટ સંચાલિત ભાવનગર કેન્સર કેર એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટયુટનો સર તખ્તસિંહજી હોસ્પિટલમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં પ્રારંભ કરાવશે.

કેન્સર જેવા જટિલ રોગની સારવાર માટે સૌરાષ્ટ્રના ખાસ કરીને ભાવનગર, બોટાદ અને અમેરલી જિલ્લાના લોકોને અમદાવાદ સુધી આવી સારવાર માટે આવવું ન પડે તેવા ઉદાત્ત ભાવથી ભાવનગરમાં આ કેન્સર કેર એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટયુટ શરૂ કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારે આ હેતુસર અમદાવાદની ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટયુટ સાથે MoU કરેલા છે.

ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલમાં રૂ. 32.11 કરોડના ખર્ચે અદ્યતન સારવાર સાધનો સાથે ભાવનગર કેન્સર કેર એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટયૂટ નિર્માણ પામ્યુ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી મંગળવાર તા.20 જુલાઇએ સવારે 10 કલાકે ભાવનગર પહોચશે અને આ ઈન્સ્ટિટયુટ સહિત ભાવનગર મહાનગરને અન્ય વિકાસ કામોની ભેટ આપશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આ વિકાસ કામોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂ. 18.88 કરોડના ખર્ચે નિર્મિત 292 આવાસોના લોકાર્પણ કરવાના છે. પ્રતિક રૂપે તેઓ કેટલાક લાભાર્થીઓને આવાસની ચાવી પણ અર્પણ કરશે.

ભાવનગર મહાનગરના મેયર કીર્તિબાળા દાણીધરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ વગેરે પણ આ લોકાર્પણ સમારોહમાં જોડાવાના છે. ભાવનગર મહાનગરને આ બહુવિધ લોકાર્પણોની ભેટ ભાવનગરની પ્રત્યક્ષ મુલાકાત લઇને મંગળવારે સવારે આપશે અને તે બાદ તેઓ પછી ગાંધીનગર ઓફિસ માટે પરત રવાના થશે.