લખનૌઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિધાનસભાની ગોરખપુર શહેરની બેઠક ઉપરથી ચૂંટણી લડી રહ્યાં છે. આજે તેમણે અમિત શાહ સહિતના ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ઉમેદવારી ફોર્મની સાથે તેમણે એફિડેવીટ પણ કરી હતી. જેમાં તેમણે પોતાની સંપત્તની માહિતી પણ આપી હતી. તેમની પાસે રૂ. 1.54 કરોડની સંપત્તિ છે. તેમજ તેમની સામે એક પણ ક્રિમિનલ કેસ નથી.
સીએમ યોગી આદિત્યનાથના એફિડેવીટ અનુસાર. તેમની પાસે 1,54,94054 રૂપિયાની સંપતિ છે જેમાં એક લાખ રોકડ છે. આ પહેલા વર્ષ 2017માં યોગી આદિત્યનાથ વિધાનસભાની ચૂંટણી પડ્યાં ત્યારે તેમની પાસે રૂ. 95.98 લાખની સંપત્તિ હતી. પાંચ વર્ષના સમયગાળામાં તેમની સંપત્તિમાં લગભગ 60 લાખનો વધારો થયો છે. સીએમ યોગીનું દિલ્હી, લખનૌ અને ગોરખપુર સહિત 6 અલગ-અલગ જગ્યા ઉપર 11 જેટલા બેંક એકાઉન્ટ છે. આ બેંક એકાઉન્ટમાં રૂ. 1.13 લાખની રકમ જમા છે. તેમની પાસે જમીન અને ઘર નથી. પરંતુ તેમની પાસે નેશનલ સેવિંગ સ્કીમ્સ અને વીમા પોલીસી મારફતે રૂ. 37.57 લાખની રકમ જમા છે. રૂ. 49 હજારની કિંમતનું સોનાનું કુંડલ છે આ ઉપરાંત સોનાથી મઢેલી રૂદ્રાશની માળા તેઓ પહેરે છે. જેની કિંમત લગભગ 20 હજાર જેટલી છે. સીએમ યોગી પાસે રૂ. 12 હજારનો મોબાઈલ ફોન છે. વર્ષ 2017માં જમા કરાવેલા એફિડેવિટ અનુસાર તેમની પાસે બે મોટરકાર હતી. જો કે, હાલ તેમની પાસે એક પણ કાર નથી. યોગી પાસે એક રિવોલ્વર અને રાયફલ પણ છે.