લખનૌઃ ઉત્તર પ્રદેશમાં ગુનેગારોને બુલડોઝરનો ડર સતાવવા લાગ્યો છે. ગુનેગારો સામે પોલીસની કાર્યવાહીની અસર પણ જોવા મળી રહી છે. બીજી વખત સત્તામાં આવેલી ભારતીય જનતા પાર્ટીની યોગી આદિત્યનાથ સરકારે ગુનાખોરી પર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. પોલીસ ગુનેગારો સામે આકરી કાર્યવાહી કરી છે જેથી અસામાજીક તત્વોમાં ભય ફેલાયો છે. પોલીસની કાર્યવાહીથી ગભરાઈને, બળાત્કારનો ઈનામી ગુનેગાર તેના ગળામાં પ્લાકાર્ડ લટકાવીને તેના પરિવારના સભ્યો સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. તેમજ જીવનની ભીખ માંગવા લાગ્યો હતો. પોલીસને દયાની વિનંતી કરી રહ્યો હતો. તેના પ્લેકાર્ડમાં લખેલું હતું – સર, હું આત્મસમર્પણ કરી રહ્યો છું. મને મારશો નહીં
પ્રાપ્ત માહિતી અનુસાર ગત 30 માર્ચે ગોંડાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેંગ રેપનો મામલો સામે આવ્યો હતો. આ મામલામાં સગીર પીડિતાની ફરિયાદ પર 4 લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીઓ સામે ઈનામની પણ જાહેરાત કરવામાં આવી હતી. પોલીસ અને એસઓજીની ટીમે તાજેતરમાં 25-25 હજારની ઈનામી રકમના બે આરોપી રાજા અલી અને રિઝવાનની ધરપકડ કરી હતી. 2 એપ્રિલના રોજ પોલીસ બુલડોઝર લઈને એક આરોપીના ઘરે પહોંચી હતી. તે જ દિવસે મોડી રાત્રે પોલીસે એન્કાઉન્ટર બાદ અન્ય આરોપી રિઝવાનની ધરપકડ કરી હતી. પોલીસની કાર્યવાહીથી આરોપીઓ ગભરાઈ ગયા હતા.
ગુનેગારો સામે પોલીસની કાર્યવાહીથી ઈઝરાયેલ નામનો આરોપી એકદમ ગભરાઈ ગયો હતો. તેને ઘરમાં ઘુસીને ગોળી મારી દેવાનો ડર હતો. જેથી આરોપી પોલીસ સ્ટેશન સરેન્ડર કરવા પહોંચ્યો. તેણે પોલીસને પ્લેકાર્ડ પર ગોળી ન ચલાવવાની પણ અપીલ કરી હતી. સરેન્ડર કર્યા બાદ આરોપીએ કહ્યું કે ગુનેગારો સામે બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે. આ પ્રકારની ચેતવણી અને કાર્યવાહીથી ડરીને આત્મસમર્પણ કરી રહ્યો છું. એસપી સંતોષ મિશ્રાએ જણાવ્યું કે ગેંગરેપ કેસમાં 25 હજારના ઈનામી બે આરોપીઓને પકડવામાં આવ્યા હતા. અન્ય એક આરોપીએ આત્મસમર્પણ કર્યું હતું. ગુનેગારો સામે અસરકારક કાર્યવાહી કરવામાં આવી રહી છે.