નવી દિલ્હીઃ સોશિયલ મીડિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી વધારે ફોલોઅર્સ ધરાવે છે. દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ફોલોઅર્સની સંખ્યામાં છેલ્લા કેટલાક દિવસથી વધારો થઈ રહ્યો છે. ટ્વીટર ઉપર યોગી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના આગળ નીકળી ગયા છે. આગામી દિવસોમાં યોગી સોશિયલ મીડિયા પર લોકપ્રિયતામાં સ્મૃતિ ઈરાની, નીતિન ગડકરી વગેરે કેન્દ્રીય મંત્રીઓને પાછળ છોડી દે તો નવાઈ નહીં.
સુત્રોના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મળી રહેલી લોકપ્રિયતા જોઈ ભાજપના નેતા પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. યુપીની ચૂંટણી પહેલાં યોગીની સોશિયલ મીડિયા પર બહુ લોકપ્રિયતા નહોતી પણ યુપીમાં જીત્યા પછી તેમના ટ્વિટર ફોલોઅર્સ વધવા માંડ્યા છે. યોગીએ ટ્વિટર પર ફોલોઅર્સની રેસમાં રાહુલ ગાંધીને પણ પાછળ છોડી દીધા છે. યોગી આદિત્યનાથના ફોલોઅર્સનો આંકડો 2.15 કરોડને વટાવી ગયો છે. રાહુલ ગાંધીના ફોલોઅર્સની સંખ્યા 2.14 કરોડ છે.
યોગી પણ મોદીના રસ્તે આગળ વધી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર છવાઈ જવાની વ્યૂહરચના અપનાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અત્યારે 5 કરોડ ફોલોઅર્સ છે. આમ પીએમ મોદી ઉત્તરપ્રદેશના સીએમ યોગીથી ગણા આગળ છે.