અમદાવાદઃ ગુજરાતમાં સીએનજીના ભાવ ઓછા હતા ત્યારે અનેક વાહનચાલકોએ પોતાની પેટ્રોલ કારને સીએનજીમાં તબદીલ કરાવતા હતા. અને મોટાભાગના પેટ્રોલ સંચાલિત જુના વાહનો સીએનજીમાં તબદીલ થયા હતા. ત્યારબાદ સીએનજીના ભાવમાં પણ તોતિંગ વધારો થવા લાગ્યો અને તેના ભાવ પેટ્રોલ નજીક પહોંચી જતાં સીએનજી કિટ્સ ઉદ્યોગને ભારે ફટકો પડ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં એક સમયે કારમાં સીએનજી કીટ નંખાવવા માટે લાઇન લાગતી હતી. જોકે તે સમયે પેટ્રોલના ભાવ આશરે રૂ. 85 સામે સીએનજીનો દર કિગ્રા દીઠ રૂ. 58ની આસપાસ હતો. તે સમયે કીટ શહેરના ઇન્સ્ટોલર્સ રોજની 15થી 20 કીટ ફીટ કરતા હતા જે આજે માંડ એકાદ ગાડીમાં સીએનજી ફીટ કરે છે. આમ આ વ્યવસાય હવે ખતમ થવાના આરે હોવાનું આ વ્યવસાય સાથે સંકળાયેલા ખેલાડીઓ જણાવી રહ્યા છે. આ વ્યવસાય સાથે સંકળાયેલા અને કીટ ઉત્પાદકો કહેવા મુજબ છેલ્લા સાતેક મહિનાથી સીએનજીના ભાવ સતત વધીને આજે કિગ્રાદીઠ 87 થઇ ગયા છે. સીએનજીના ભાવ રાજસ્થાનમાં 100 રૂપિયા, ઉત્તરપ્રદેશમાં 96 રૂપિયા થઇ ગયા છે. આમ પેટ્રોલ અને સીએનજી વચ્ચે જે તફાવત હતો તે નહીવત્ થઇ ગયો છે. પરિણામે વાહનચાલકો સીએનજી કિટ્સ ફિટ કરાવતા નથી. અમે ઇટાલીથી કીટ આયાત કરીને બજારમાં આપીએ છીએ. પરંતુ બજાર સાવ પડી ભાંગતા અમારી પાસે કરોડો રૂપિયાનો માલ પડી રહ્યો છે.
અમદાવાદના સેટેલાઈટ્સ વિસ્તારના સીએનજી કિટ્સના જાણીતા વેપારીએ જણાવ્યું હતું કે, હાલમાં કારમાં ફીટ થતી કીટની સંખ્યા પણ ઘટી ગઇ છે. તેના બે કારણો છે, એક તો સીએનજીના ભાવ વધી ગયા છે અને બીજુ, છેલ્લા બે વર્ષથી યુરો 6ની મંજૂરી સરકારે આપી નથી. તેના કારણે બજારને બિલકૂલ ટેકો પ્રાપ્ત થયો નથી. જો સરકાર યુરો 6ની જો માન્યતા આપે તો 2020 પછીની ગાડીઓમાં અમે કીટ લગાવી શકીએ છીએ. જ્યારે જે યુરો 6ની ગાડીમાં અમે સીએનજી કીટ લગાવી છે તેવી પાંચ લાખ કારનું રજિસ્ટ્રેશન થવાનું હજુ બાકી છે. આ બાબતે અમે કેન્દ્ર સ્તરે માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રીને અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છીએ. પરંતુ ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકાર એમ કોઇએ અમને સહાય કરી નથી. પહેલા જ્યારે સીએનજીનો ભાવ રૂ. 50થી 60 હતો ત્યારે મહિનાની 6 હજાર કીટ ભારતભરમાં વેચાતી હતી જે આજે માંડ 500 કીટ વેચાય છે. બીજી સરકાર સીએનજીના નવા નવા સિટી ગેસ ડીસ્ટ્રીબ્યૂશન (સીજીડી) બનાવી રહી છે, 15 હજાર પંપ ફાળવે છે ત્યારે લોકોને ભ્રમિત કરવા જેવી વાત છે.