Site icon Revoi.in

ભારતને વિશ્વની ત્રીજા નંબરની ઇકોનોમી બનાવવામાં સહકારી ક્ષેત્ર મહત્વની ભૂમિકા ભજવશે: CM

Social Share

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સહકારી ક્ષેત્રને સશકત, સક્ષમ અને સ્વાવલંબી બનાવવા આપેલી “સહકારથી સમૃદ્ધિ” ની પરિકલ્પનાને સાકાર કરવાના ઉદેશ્ય સાથે બનાસ ડેરી, દિયોદર ખાતે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે પશુપાલકો અને ખેડૂતોના કલ્યાણ અર્થે હાથ ધરાયેલા પાયલોટ પ્રોજેક્ટ તથા સહકારી સંસ્થાઓના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભીલડી ખાતે રૂ.324.77  કરોડના નિર્મિત થનારા બનાસ બોવાઇન એન્ડ બ્રિડ રિસર્ચ સેન્ટર(BBBRC)નું ખાતમુહૂર્ત, બાદરપુરા ખાતે રૂ. 45 કરોડના ખર્ચે પ્રતિદિવસની 50 મેટ્રિક ટન ક્ષમતાના નવનિર્મિત અલ્ટ્રા મોર્ડન આટા પ્લાન્ટ અને પાલનપુર ખાતે 10,000 કે.જી પ્રતિ કલાકની ક્ષમતા ધરાવતા નવનિર્મિત બનાસ વ્હે પ્રોટીન અલ્ટ્રા ફિલ્ટરેશન પ્લાન્ટનું લોકાર્પણ તેમજ પાલનપુર ખાતે નિર્માણ પામનાર બનાસ બેન્ક નવીન ઓડિટોરિયમ હોલ અને ખેડૂત ટ્રેનિંગ સેન્ટરનું ઇ- ખાતમુહૂર્ત તથા બનાસ ડેરીના સંજીવની ખાતર પ્રોડક્ટ, બનાસ ઓર્ગેનિક ખાતર પ્રયોગશાળા અને અમૂલ ઓર્ગેનિક પ્રોડક્ટ સહિત બનાસ બેંક માઈક્રો ATM અને કિશાન ક્રેડીટ કાર્ડ તથા ધી ગુજરાત સ્ટેટ કો.ઓપ.બેંક. લી. ના બનાસકાંઠા અને પંચ મહાલ જિલ્લાના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરાવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીના હસ્તે મહિલા પશુપાલકોને રૂપે કિસાન ક્રેડિટ કાર્ડ્સનું વિતરણ પણ કરાયું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને દેશના પ્રથમ સહકારીતા મંત્રી અમિતભાઇ શાહના માર્ગદર્શનમાં સહકારથી સમૃદ્ધિ સૂત્રને સાર્થક કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ગ્રામીણ અર્થતંત્રને મજબૂત અને વેગવંતુ બનાવવા માટે સહકાર ક્ષેત્ર પર વિશેષ ભાર મુક્યો છે. દેશમાં આઝાદી પછી પહેલીવાર સહકાર મંત્રાલયની રચના કરી તેનું સુકાન ગુજરાતના પનોતા પુત્ર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહને સોંપ્યું છે.

સહકારી ક્ષેત્ર ગ્રામીણ અર્થતંત્રને સુગ્રથિત કરવાનો ઉત્તમ માર્ગ છે. સહકારી ક્ષેત્ર તેના પરંપરાગત વ્યવસાયથી આગળ નીકળે એ માટે પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઇ મોદીએ રીફોર્મ, પર્ફોર્મ અને ટ્રાન્સફોર્મનો નવતર અભિગમ અપનાવ્યો છે, તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.

એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરી દ્વારા સૌ સહકારી ક્ષેત્રનો ઉત્સવ ઉજવવા ભેગા થયા છીએ એમ જણાવતાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, સહકારીક્ષેત્રમાં અનેકવિધ નીતિવિષયક નિર્ણયોના લીધે ભવિષ્યમાં આ ક્ષેત્ર દેશને વિશ્વની ત્રીજી ઇકોનોમી બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. સહકારી મંડળીઓ (પેક્સ) દ્વારા જન જન સુધી વિવિધ સેવાઓનો લાભ પહોંચાડવાના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના વિચારને મૂર્તિમંત કરવાનું કામ સહકાર મંત્રી અમિતભાઇ શાહના નેતૃત્વમાં થતાં અનેક લોકોને લાભ થયો છે.

આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે આજનો દિવસ બનાસનાં ઇતિહાસનો સુવર્ણ દિવસ છે. આજે દેશની મહત્વની સહકારીતા યોજનાઓનો શુભારંભ બનાસની ધરતી પરથી થયો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં સહકારીતા મંત્રી અમિતભાઇ શાહના નતૃત્વમાં આજે દેશના સહકારીતા વિભાગને પ્રગતિના પંથે લઈ જઈ રહ્યા છે. જેનો સૌથી વધુ લાભ બનાસને મળી રહ્યો છે. આજે કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓ થકી આપણી સમૃદ્ધિ વધી છે.

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વિશેષ આભાર માનતા જણાવ્યું હતું કે આજે પશુપાલકોને વધુ ભાવફેર મળે છે તેનો શ્રેય મુખ્યમંત્રીને જાય છે. દૂધના પાઉડરમાં તેમણે આપેલી સબસીડીથી ગુજરાતની તમામ ડેરીઓનું આર્થિક ભારણ ઘટયું છે. આજે ક્રેડિટ કાર્ડથી વગર વ્યાજે રૂપિયા 50 હજાર પશુપાલકોને મળશે. જે બનાસના પશુપાલકો માટે વિશેષ ભેટ છે.

ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતે આ પ્રસંગે જણાવ્યું હતું કે આજે જિલ્લામાં વિવિધ પ્રોજેક્ટોનું ઉદઘાટન થઈ રહ્યું છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના અનેક લોકોને ખૂબ મોટો લાભ થશે. ગુજરાત અને દેશના અનેક રાજ્યો સહકારથી જ સમૃદ્ધ થયા છે.

સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહના માર્ગદર્શનમાં દેશભરમાં સહકારી ચળવળ મજબૂત થાય અને સહકાર ક્ષેત્ર આત્મનિર્ભર બને એ માટે કામ થઇ રહયું છે. આજે ‘સહકાર થી સમૃદ્ધિ’ નો સંકલ્પ સાકાર થઇ રહ્યો છે. સમગ્ર વિશ્વમાં બનાસ ડેરીની પશુપાલક બહેનો દૂધ પુરું પાડી રહી છે. તેઓએ પશુપાલકોના બાળકોના તબીબી શિક્ષણ માટે શરૂ થયેલી બનાસ મેડિકલ કોલેજની પણ પ્રશંસા કરી હતી.

ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ બેંકના ચેરમેન અજયભાઈ પટેલે જણાવ્યું કે, તમામ સહકારી સંસ્થાઓ એકબીજા સાથે રહી બેન્કિંગ વ્યવહાર કરે અને પરસ્પર સમન્વય વધે એવી દીર્ઘદ્રષ્ટિથી “સહકારીતામાં સહકાર”ના પાયલોટ પ્રોજેકટની શરૂઆત બનાસકાંઠા અને પંચમહાલથી કરવામાં આવી છે.