નવી દિલ્હીઃ કોચિંગ સેન્ટરની દૂર્ઘટનાના પડઘા સંસદમાં પડ્યાં હતા. ભાજપના સાંસદ બાંસુરી સ્વરાજએ સમગ્ર મામલાને ગંભીર ગણાવીને આમ આદમી પાર્ટી ઉપર ગંભીર આક્ષેપ કર્યાં હતા. સમાજવાદી પાર્ટીના નેતાએ પણ આવા કોચિંગ સેન્ટરો સામે યુપી સરકારની જેમ બુલડોઝરની કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. જ્યારે કોંગ્રેસના સિનિયર નેતા શસૂ થરૂરે સમગ્ર મામલે ઉંડાણપૂર્વકની તપાસની માંગણ કરી હતી.
સમાજવાદી પાર્ટીના સાંસદ અખિલેશ યાદવે કહ્યું કે, કોચિંગ સેન્ટરમાં જે ઘટના બની તે ખૂબ જ દર્દનાક છે. આયોજન અને એનઓસી આપવાની જવાબદારી અધિકારીઓની છે. અધિકારીઓ સામે શું કાર્યવાહી કરવામાં આવી છે. અમે યુપીમાં જોઈ રહ્યા છીએ કે જ્યાં ગેરકાયદે બિલ્ડીંગ છે, ત્યાં બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવે છે. આ સરકાર બુલડોઝરનો ઉપયોગ કરશે કે નહીં?
કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે કહ્યું કે, હું કોચિંગ સેન્ટર અકસ્માતમાં મૃત્યુ પામેલા કેરળના વિદ્યાર્થીના પરિવારને મળ્યો છું. મને જાણવા મળ્યું છે કે અહીં ઘણી ઇમારતોને નિયમોનું પાલન કર્યા વિના કોચિંગ સેન્ટર ચલાવવાની પરવાનગી આપવામાં આવી છે. તેણે કહ્યું કે, એક પત્રકારે મને બતાવ્યું કે કોચિંગ સેન્ટર માટે MCD તરફથી કઈ બિલ્ડિંગને લીલી ઝંડી મળી છે. આ બાબતની ઉંડાણપૂર્વક તપાસ થવી જોઈએ અને ભવિષ્યમાં આવી ઘટનાઓ બંધ થવી જોઈએ.
બીજેપી સાંસદ બાંસુરી સ્વરાજે દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્ર નગરમાં કોચિંગ સેન્ટરના ભોંયરામાં પાણીમાં ડૂબીને જીવ ગુમાવનારા ત્રણ વિદ્યાર્થીઓનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે તેલંગાણા, ઉત્તર પ્રદેશ અને કેરળના આ વિદ્યાર્થીઓ IAS બનવા માટે દિલ્હી આવ્યા હતા. પરંતુ દિલ્હી સરકારની ગુનાહિત બેદરકારીના કારણે આ બાળકોએ જીવ ગુમાવ્યો હતો. આ વિદ્યાર્થીઓના મોત આમ આદમી પાર્ટીની બેદરકારીના કારણે થયા છે. તમારી સરકાર 10 વર્ષથી સત્તામાં છે. દિલ્હી માટે અહીં કોઈ કામ થયું નથી. MCD પણ દિલ્હી સરકાર સાથે છે. આ પછી પણ નાળાઓની સફાઈ કરવામાં આવી નથી. અકસ્માત પહેલા જૂના રાજેન્દ્ર નગરના ધારાસભ્યને ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ તેમણે કોઈ કાર્યવાહી કરી ન હતી. હું ગૃહ મંત્રાલયને વિનંતી કરું છું કે આ સમગ્ર મામલાની તપાસ કરવા માટે તપાસ સમિતિ રચવામાં આવે.