નવી દિલ્હીઃ ઉત્તરભારતમાં કાળઝાળ ગરમીને કારણે વીજળીની માંગણીમાં વધારો થયો છે. બીજી તરફ કોલસાની અછતને પગલે મોટાભાગના રાજ્યો ઉપર વીજ સંકટના વાદળો ઘેરાઈ રહ્યાં છે. વીજની માગમાં વધારો અને કોલસાની અછતના લીધે આ પરિસ્થિતિનું નિર્માણ થયાનું મનાઈ રહ્યું છે. એપ્રિલ મહિનામાં ભારતમાં વીજળીની ડિમાન્ડ 13.6 ટકા વધીને 132.98 બિલિયન યુનિટ સુધી પહોંચી હતી. ગયા વર્ષે એપ્રિલ મહિનામાં સમગ્ર દેશમાં 117.08 બિલિયન યુનિટ વીજળીની ખપત થઈ હતી. આમ ચાલુ વર્ષે એપ્રિલ મહિનામાં વીજળીની ડિમાન્ડમાં પણ વધારો થયો છે. બીજી તરફ યુક્રેન-રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પગલે કોલસાની અછત ઉભી થયાનું મનાઈ રહ્યું છે.
સુત્રોના જણાવ્યા અનુસાર એપ્રિલની શરૂઆતમાં ઝારખંડમાં 10થી 12 ટકા વીજળી આપૂર્તિની અછતનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત આંધ્રપ્રદેશ (10 ટકા), ઉત્તરાખંડ (8થી 10 ટકા), મધ્યપ્રદેશ (6 ટકા) અને હરિયાણા (4 ટકા)નો નંબર આવે છે. દેશમાં લગભગ 150 પાવર પ્લાન્ટ પૈકી 60 ટકા એટલે કે 88માં કોલસાની અછત ઉભી થઈ છે. આ વિગત સેન્ટ્રલ ઈલેક્ટ્રીકસિટી ઓથોરિટીના ડેલી કોલ સ્ટોક રિપોર્ટમાં સામે આવી છે. રિપોર્ટ અનુસાર રાજસ્થાન, મહારાષ્ટ્ર, બંગાળમાં હાલત સૌથી ખરાબ છે. જે 88 પાવર પ્લાન્ટ કોલસાની અછત છે જેમાં 42 પ્લાન્ટ રાજ્ય સરકાર હસ્તક છે. જ્યારે 32 પ્રાઈવેટ સેક્ટર છે. આ ઉપરાંત 12 કેન્દ્ર સરકાર હસ્તક છે. જ્યારે 2 જોઈન્ટ વેન્ચર પાવર પ્લાન્ટ છે. રાજસ્થાન સરકાર હસ્તકના 6, મહારાષ્ટ્રમાં સાત પૈકી 6, બંગાળમાં 6, તમિલનાડુમાં 4, ઉત્તરપ્રદેશમાં ચાર પૈકી 3, એમપીમાં ચાર પૈકી 3, આંધ્રપ્રદેશ-કર્માટકમાં 3-3, હરિયાણા અને ગુજરાતમાં 3 પૈકી 2 પાવર પ્લાન્ટમાં કોલસાની અછત ઉભી થઈ છે.
કાળઝાળ ગરમીમાં દિલ્હી, ઉત્તરપ્રદેશ, ઝારખંડ, એમપી, રાજસ્થાન, મહારાષ્ટ્ર, હરિયાણા, પંજાબ, બંગાળ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, હિમાચલમાં કોલસાની અછતને પગલે અનેક વિસ્તારોમાં લોકોને વીજ કાપનો સામનો કરવો પડી રહ્યાંનું ચર્ચાઈ રહ્યું છે.