પોરબંદરના દરિયામાં જહાજના બીમાર ક્રુ-મેમ્બરનું કોસ્ટગાર્ડે રેસ્ક્યુ કર્યું
અમદાવાદઃ પોરબંદરના દરિયામાં એક માલવાહન જહાજમાં ક્રુ મેમ્બરની તબિયત લથડતા અન્ય ક્રુ-મેમ્બર દોડતા થઈ ગયા હતા. આ બનાવની જાણ થતા ભારતીય કોસ્ટગાર્ડે મધ્યરાત્રિ બાદ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. તેમજ આ વિદેશી જહારના બિમાર ક્રુ-મેમ્બરને પ્રાથમિક સારવાર બાદ પોરબંદર લાવવામાં આવ્યો હતો. તેમજ વધારે સારવાર અર્થે પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.
પ્રાથમિક માહિતી અનુસાર પોરબંદરના દરિયામાં ફિલિપાઈન્સ જહાજ પસાર થઈ રહ્યું હતું. મધ દરિયામાં આ જહાજના એક ક્રુ-મેમ્બરની તબિયત લથડી હતી. જેથી તાત્કાલિક કોસ્ટગાર્ડનો સંપર્કમાં આવ્યો હતો. જેથી કોસ્ટગાર્ડની ટીમે બચાવ અભિયાન શરૂ કર્યું હતું. તેમજ તાત્કાલિક વિદેશી જહાજ ખાતે પહોંચ્યાં હતા. કોસ્ટગાર્ડની ટીમને જોઈને ક્રુ-મેમ્બરોએ રાહતનો શ્વાસ લીધો હતો. તેમજ તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
થોડા મહિના અગાઉ પણ કોસ્ટગાર્ડની C413 શીપ દ્વારા મધદરીયે માછીમારોનું રેસ્ક્યું કરવામા આવ્યુ હતુ. ઓખાથી અંદાજીત 10 નોટીકલ માઇલ દૂર દરિયામાં રત્નાસાગર નામની બોટ કોઈ કારણોસર ડુબી ગઈ હતી, ત્યારે માછીમારોની મદદે કોસ્ટગાર્ડની ટીમ દોડી ગઈ હતી. જેમાં ઈન્ડિયન કોસ્ટગાર્ડની C413 શીપ દ્વારા બોટમાં સવાર બે માછીમારોનું દિલધડક રેસ્ક્યૂ કરી જીવ બચાવવામાં આવ્યા હતા.