અમદાવાદઃ કોરોનાને કારણે વિટામિન સીયુક્ત ફળોની માગમાં વધારો થયો છે. મોસંબી, સંતરા, લીંબુની માગ વધ્યા બાદ હવે લીલા નાલિયેરની માગમાં પણ જબ્બર વધારો થયો છે. તબીબો પણ નાળિયેર પાણી પીવા માટેની સલાહ આપી રહ્યા છે. પરંતુ સામાન્ય લોકોને કેવી રીતે નાળિયેર પાણી પી શકે? હાલનો આ મોટો પ્રશ્ન છે. કારણે કે, નાળિયેરના ભાવ આસમાને પહોંચ્યા છે. હોલસેલમાં પણ નાળિયેર મોંઘા મળી રહ્યા છે. આ સાથે ટ્રાન્સપોર્ટ ભાડું જેના કારણે માર્કેટમાં પહોંચતા નાળિયેરના ભાવ 50થી 70 રૂપિયા થઈ જાય છે. સારામાં સારા નાળિયેરના ભાવ 90 રૂપિયા સુધી પહોંચ્યા છે.
નાલિયેરના વેપારીઓના જણાવ્યા મુજબ કોરોનાની મહામારીમાં નાળિયેરની માંગ વધી છે. પરંતુ સામે ઉત્પાદન વધ્યું નથી, નાળિયેરીમાં રોગ આવ્યો છે. જેના કારણે નાળિયેરનું ઉત્પાદન ઘટી ગયું છે. અમદાવાદમાં રોજના 1 લાખ નાળિયેર આવતા હતા તેની સામે 25 હજાર જેટલા નાળિયેર આવે છે. અત્યારે નાળિયેરની માંગ વધુ છે. જેના કારણે ભાવ આસમાને છે.
સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારમાં નારિયેળીમાં જંતુ પડ્યા છે. નારિયેળીમાં સફેદ મસી પડવાને કારણે લીલા નારિયેળમાં બગાડ વધ્યો છે. સફેદ મસી અને વધતી માંગ ભાવ વધવાનું મુખ્ય કારણ છે. શહેરમાં સામાન્ય દિવસોમાં નાળિયેરની લારીઓ ભરેલી જોવા મળતી હતી. પરંતુ અત્યારે નાળિયેર શોધવા મુશ્કેલ બની જાય છે. જે વેપારીઓ વર્ષોથી નાળિયેરના ધંધા સાથે જોડાયેલા છે તે જ નાળિયેર વેચી રહ્યા છે. કારણ કે, હોલસેલમાં મોંઘા નાળિયેર મળી રહ્યા છે. જેના કારણે નાના વેપારીઓને પણ ખરીદવામાં મુશ્કેલી પડી રહી છે.
નાળિયેરના ભાવ આસમાને છે. સાથે સાથે ઓરેન્જ, સફરજન, કિવી, તમામ ફ્રૂટના ભાવ પણ આસમાને છે. કોરોનાની મહામારીમાં લોકો ઝઝુમી રહ્યા છે અને બીજી બાજુ સ્વાસ્થ્ય સારું રાખવા માટે ફ્રુટ ખાવા પણ જરૂરી છે. પરંતુ 100 રૂપિયાની નીચે કોઈ ભાવ નથી સામાન્ય લોકો દવા પણ મુશ્કેલીથી કરાવી શકે છે તે આ મોંઘા ફ્રુટ કઈ રીતે ખાઈ શકે.