અમદાવાદઃ ગુજરાતમાં ધીમે-ધીમે હવે શિયાળ જામી રહ્યો છે અને કડકડતી ઠંડી પડી રહી છે. દરમિયાન હવામાન વિભાગે બે દિવસ કોલ્ડવેવની આગાહી કરી છે. દરમિયાન કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. નલિયામાં 8.8 ડીગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં 17.4 ડીગ્રી ઠંડી નોંધાઈ હતી. અમદાવાદમાં રાત્રિના સમયે લઘુત્તમ તાપમાનનો પારો 4.1 ડીગ્રી જેટલો ગગડ્યો હતો.
ગુજરાતમાં શિયાળાના આરંભ સાથે જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. એટલું જ નહીં બપોરના ગરમી અને રાત્રિનો ઠંડીનો અનુભવ લોકો કરતા હતા. જો કે, હવે શિયાળો ધીમે-ધીમે જામી રહ્યો છે. દરમિયાન અમદાવાદમાં રાત્રિના સમયે લઘુત્તમ તાપમાનમાં લગભગ 4.1 ડીગ્રી જેટલો ઘટાડો નોંધાયો હતો. દિવસનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં દોઢ ડિગ્રી ઓછું નોંધાતા મોડી સાંજે સામાન્ય કરતાં વધુ ઠંડી અનુભવાઈ હતી. દરમિયાન કચ્છના નલિયામાં તાપમાનો પારો ગગડી 8.8 ડિગ્રીએ પહોંચી જતાં રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. આ સિવાય ડીસામાં પણ પારો ગગડી 13.8 ડિગ્રી અને ભુજમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
દરમિયાન અમદાવાદમાં 17.8, ડીસામાં 13.8, વડોદરામાં 17.2, કંડલા પોર્ટમાં 10.8, અમરેલીમાં 16.8, ભાવનગરમાં 17.8, દ્વારકામાં 17.8, રાજકોટમાં 15.7, સુરેન્દ્રનગરમાં 16.4 અને કેશોદમાં 16 ડીગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહી કરી છે. જેથી હવે રાજ્યમાં પણ ઠંડીમાં વધારો થવાની શક્યતા છે.