Site icon Revoi.in

દિલ્હીમાં વધી ઠંડી,ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો,આ રાજ્યોમાં વરસાદની શક્યતા

Social Share

દિલ્હી: અડધો ડિસેમ્બર વીતી ગયા બાદ આખરે  રાષ્ટ્રીય રાજધાનીમાં ઠંડીમાં વધારો થયો છે. આ સાથે ઉત્તર ભારતના ઘણા ભાગોમાં તાપમાનમાં પણ ઘટાડો થયો છે. સાંજ પડતાં જ ઠંડા પવનો પણ ફૂંકાવા લાગ્યા છે. જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશના ઘણા પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ છે અને તાપમાનનો પારો શૂન્ય ડિગ્રી સેલ્સિયસથી નીચે ગયો છે. આ સાથે ધુમ્મસ પણ તેની અસર બતાવવાનું શરૂ કરી દીધું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આગામી થોડા દિવસોમાં પારો વધુ નીચે જઈ શકે છે.

IMD અનુસાર, શુક્રવારે દિલ્હીનું લઘુત્તમ તાપમાન 4.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે મસૂરીનું 6.2 ડિગ્રી અને શિમલામાં 6.8 ડિગ્રી સેલ્સિયસ હતું. આ સિઝનનું સૌથી ઓછું લઘુત્તમ તાપમાન હતું. ઘટી રહેલા તાપમાન વચ્ચે અનેક લોકો નાઈટ શેલ્ટરમાં રાત વિતાવી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શુક્રવારે દિવસ દરમિયાન ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ દિશામાંથી ઠંડા પવનો ફૂંકાયા હતા. સવારે ધુમ્મસના કારણે વાતાવરણ ઠંડું રહ્યું હતું. જો કે બપોરના સમયે ચમકદાર તડકો પડતાં થોડી રાહત થઈ હતી. વિભાગના જણાવ્યા અનુસાર શનિવારે હવામાનમાં થોડી રાહત થઈ શકે છે.

હવામાન વિભાગે કહ્યું કે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 21 ડિસેમ્બરે લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે. જો કે, દિવસ દરમિયાન સૂર્યપ્રકાશને કારણે ઠંડીમાં વધારો થવાની શક્યતા ઓછી છે. આ સાથે, તામિલનાડુમાં 16 થી 17 ડિસેમ્બરની વચ્ચે, કેરળ અને માહેમાં 16 થી 18 ડિસેમ્બરની વચ્ચે અને લક્ષદ્વીપમાં 17 થી 18 ડિસેમ્બરની વચ્ચે તેમજ અલગ-અલગ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. કેટલાક સ્થળોએ ગાજવીજ અને વીજળી પડવાની પણ સંભાવના છે. હવામાન વિભાગે આ વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવાની સલાહ આપી છે.