ગુજરાતમાં ઠંડીમાં ઘટાડોઃ આગામી દિવસોમાં ઠંડીમાં વધારાની આગાહી
અમદાવાદઃ ગુજરાતમાં શિયાળો જામ્યો છે. જો કે, બે દિવસથી ઠંડીમાં ઘટાડો થયો છે. આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી થોડા દિવસો તાપમાનમાં ઘટાડો જોવા મળશે. જેથી ઠંડીનું જોર વધવા જઈ રહ્યું છે. હવામાન વિભાગે અમદાવાદમાં ઠંડીની અસર સાથે વાદળછાયુ વાતવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરી હતી.
રાજ્યમાં પાંચ દિવસ સુધી વાતાવરણ સામાન્ય રહેવાની શક્યતા છે. જ્યારે આગામી બે દિવસ સુધી તાપમાનમાં 2 થી 5 ડિગ્રી સુધી ઘટાડો થવાની શક્યતા છે. તા 3 ફેબ્રુઆરી બાદ કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત ઠંડીનો ચમકારો વધુ જોવા મળશે. હવામાન વિભાગ દ્વારા સાવચેતીના પગલા રૂપે જણાવવામાં આવ્યું છે કે, બાળકો, સગર્ભા અને વૃદ્ધો તેમજ બીમાર લોકોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં તાજેતરમાં વાતાવરણમાં આવેલા પલટાને કારણે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ હતી. જેથી સવારના સમયે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હાલ વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ ઘડ્યું છે. પરંતુ આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે.