ઉત્તર ભારતમાં ઠંડી વધવાની શક્યતા, તાપમાનમાં ચાર ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના
- આગામી 2 થી ૩ દિવસ સુધી વધશે ઠંડી
- શીત લહેર વધારશે ઠંડી
- ઠંડો પવન લોકોને કરશે પરેશાન
- 29 જાન્યુઆરી બાદ ધુમ્મસમાં ઘટાડો
ઉત્તર ભારતમાં જાન્યુઆરીના અંતિમ દિવસોમાં પણ ઠંડીમાં ઘટાડો જોવા નહીં મળે. ઉત્તરીય વિસ્તારોમાં આગામી 2 થી 3 દિવસ સુધી ઠંડી વધશે. આ સાથે ઠંડા પવનો પણ લોકોને પરેશાન કરશે.
હવામાન વિભાગનું કહેવું છે કે,જમ્મુ-કાશ્મીરથી ઉત્તર-પૂર્વ તરફ આગળ વધવાને કારણે સૂકા ઉત્તરપશ્ચિમી પવનો જોર વધારશે. આગામી બેથી ત્રણ દિવસ સુધી તેમનો પ્રભાવ ઉત્તર ભારતના મેદાનો અને તેની સાથેના મધ્ય અને પશ્ચિમ ભારતના ભાગોમાં રહેશે. અધિકારીએ જણાવ્યું હતું કે, શુક્રવાર સુધીમાં તાપમાનમાં ચાર ડિગ્રી સુધીનો ઘટાડો થવાની સંભાવના છે.
હવામાન વિભાગની માહિતી મુજબ,26 જાન્યુઆરીએ રાત્રે 11:30 વાગ્યે યુપીના બહરાઇચ અને પશ્ચિમ બંગાળના બગડોગરામાં વિઝિબિલિટી 200 મીટર રહી. તો ગોરખપુરમાં 400 મીટર રહી. આગ્રા, સુલતાનપુર,ભાગલપુર અને તેજપુરમાં 500 મીટર રહી
પંજાબ,હરિયાણા,ચંડીગઢ,દિલ્હી,રાજસ્થાન,ઉત્તરપ્રદેશ,સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 3-4 દિવસ માટે શીત લહેરની આગાહી છે. આ સાથે 29 જાન્યુઆરી સુધી પંજાબ,હરિયાણા,ચંદીગઢ,ઉત્તર પ્રદેશ,રાજસ્થાન,બિહાર,હિમાલયન પ્રદેશો અને સિક્કિમમાં ગાઢ ધુમ્મસની સ્થિતિ જોવા મળી શકે છે. 29 જાન્યુઆરી બાદ ધુમ્મસમાં ઘટાડો થશે.
આઇએમડી મુજબ દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંડીગઢ અને ઉત્તર પ્રદેશમાં આગામી 2 દિવસ કડકડતી ઠંડી રહેવાની સંભાવના છે. જ્યારે બિહારમાં આગામી 2 દિવસ સુધી વધુ ઠંડી પડી શકે છે.