- રાજ્યમાં 7થી 17 ડીગ્રી જેટલું તાપમાન નોંધાયું
- અનેક શહેરોમાં સુસવાડા મારતો પવન ફુંકાયો
અમદાવાદઃ ગુજરાતમાં વાતાવરણમાં આવેલા પલટાને કારણે અનેક વિસ્તારમાં ગાઢ ધુમ્મસ છવાયો હતો. તેમજ ભારે પવન ફુંકાયો હતો. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બનસની અસરને પગલે ઠેર ઠેર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી, પરંતુ આ આગાહી પૂર્ણ થયા બાદ ઠંડીનું પ્રમાણ વધ્યું છે અને ફરીથી લોકો ગરમ વસ્ત્રોમાં જોવા મળ્યા હતા. રાજ્યના જિલ્લાઓમાં 7 ડિગ્રીથી 17 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
સુત્રોના જણાવ્યા અનુસાર વાતાવરણમાં આવેલા પલટાને કારણે અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં સવારે ગાઢ ધુમ્મસ છવાયો હતો. જેથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તેમજ દરિયામાં કરંટ જોવા મળ્યો હતો અને ઉંચા મોજા ઉછળ્યાં હતા. જેથી હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી હતી. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં હવે ફરીથી કડકડતી ઠંડી પડશે.