ઉત્તર-પૂર્વના ઠંડા પવન ફુંકાતા ગુજરાતમાં કડકડતી ઠંડીનો પ્રારંભ, થર્ટીફર્સ્ટથી ઠંડી રેકર્ડ સર્જશે
અમદાવાદઃ માગશર મહિનો પૂર્ણ થયા બાદ એટલે કે અડધો શિયાળો વિત્યા બાદ હવે કડકડતી ઠંડીનો પ્રારંભ થયો છે. હવે ડિસેમ્બરના અંત એટલે થર્ટી ફર્સ્ટથી ઠંડી રેકર્ડ સર્જશે, એવું હવામાન શાસ્ત્રીઓનું માનવું છે. છેલ્લા બે દિવસથી ઉત્તર પૂર્વના ફુંકાય રહેલા ઠંડાબોળ પવનને કારણે લોકો ઠડીમાં ઠૂંઠવાયા છે. બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાન હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ફરી એક વખત તાપમાન માઈનસ પાંચ ડીગ્રીએ પહોંચતા અનેક વિસ્તારોમાં બરફ છવાઈ ગયો છે. સહેલાણીઓ અને સ્થાનિકો ગુલાબી ઠંડીનો અનેરો આનંદ માણતાં ઠૂંઠવાઈ પણ રહ્યા છે.
ગુજરાતમાં અઠવાડિયા પહેલાં જ ગરમી લાગતી હતી, બપોરે ગરમી અને રાત્રે સામાન્ય ઠંડી એમ બેઋતુનો અનુભવ થઈ રહ્યો હતો. છેલ્લા બે દિવસથી ઉષ્ણતામાનમાં ઘટાડો થઈ રહ્યો છે. અને સપ્તાહ બાદ ઠંડીમાં અસામાન્ય વધારો થવાની શક્યતા છે. હાલ દિવસે પણ સ્વેટર પહેરવું પડે એવી સ્થિતિ અનુભવાય રહી છે. રવિવારે સવારમાં જ અમદાવાદમાં તાપમાન 10 ડીગ્રીએ પહોંચી ગયું હતું. નલિયામાં કોલ્ડવેવની સ્થિતિ છે, જે હવે ધીરે-ધીરે સમગ્ર રાજ્યમાં પ્રસરશે એ નક્કી છે. ગુજરાતનાં 11 શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાન 15 ડીગ્રીથી નીચે નોંધાશે, જ્યારે રાજસ્થાનના માઉન્ટ આબુમાં ગુજરાતથી ફરવા ગયેલા પ્રવાસીઓ શીત લહેરથી મોજમાં આવી ગયા છે, જોકે ઠંડીથી બચવા તાપણાં કરતાં નજરે ચડ્યા હતા.
ગુજરાતભરમાં શીત લહેર પ્રસરી ગઈ છે. ઉત્તર-પૂર્વના ઠંડા પવનોએ લોકોને ધ્રૂજાવી દીધા છે. ગઈકાલે 24મી ડિસેમ્બરે અમદાવાદમાં 11.8 ડીગ્રી તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત વડોદરામાં 14 ડીગ્રી, સુરતમાં 17.6 ડીગ્રી, રાજકોટમાં 11.6 ડીગ્રી, દ્વારકામાં 19.2 ડીગ્રી, ભુજમાં 13.4 ડીગ્રી, ડીસામાં 11 અને વેરાવળમાં 15.2 ડીગ્રી તાપમાન નોંધાયું હતુ. અમદાવાદમાં આગામી પાંચ દિવસ સરેરાશ લઘુતમ તાપમાન 12 ડીગ્રીની આસપાસ રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે કે આજે 25મી ડિસેમ્બરથી ઠંડીમાં વધારો થશે. લોકોએ હાડ થીજવતી ઠંડી માટે તૈયાર રહેવું પડશે. વારંવાર વાતાવરણમાં પલટો આવશે તેમજ જાન્યુઆરીમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે.
હવામાન વિભાગના સૂત્રોએ ઉમેર્યું હતું , રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી હવામાન સતત બદલાતું જોવા મળી રહ્યું છે. રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, નર્મદા, બનાસકાંઠા, ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં પારો ગગડ્યો છે. ગુજરાતમાં હાલ શરદી-ઉધરસ સહિતની બીમારીઓ ફેલાઈ છે ત્યારે ફરીથી રાજ્યમાં કોલ્ડવેવની આગાહી આપવામાં આવી છે.