- સમગ્ર ઉતર ભારતમાં કાતિલ ઠંડી
- લોકો ઠંડીના માર્યા ઠુંઠવાયા
- ગાઢ ધુમ્મસના પગલે ટ્રેનોની રફતાર અટકી
દિલ્હીઃ-દેશની રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારત કડકડતી ઠંડી અને ધુમ્મસથી છવાયેલ છે. કાતિલ ઠંડીને કારણે લોકો ઠુંઠવાય રહ્યા છે. ઉત્તર પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા અટકી ગઈ છે. તેમ છતાં મેદાની વિસ્તારોમાં હાડ થીંજવતી ઠંડી યથાવત છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સફદરજંગમાં આજે સવારે 5:30 વાગ્યે તાપમાન 4.4 ડિગ્રી નોંધાયું હતું. પાલમમાં તે જ સમયે તાપમાનનો પારો 10 ડિગ્રી નોંધાયો હતો.
હરિયાણાના નારનોલમાં ગઈકાલે લઘુત્તમ તાપમાન 1.8 ડિગ્રી નોંધાયું હતું. દિલ્હીના ઘણા વિસ્તારોમાં સવારે ગાઢ ધુમ્મસ છવાયેલું રહ્યું. આને કારણે વિઝિબિલિટી 100 અને 200 મીટરની વચ્ચે હતી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, દિલ્હી-એનસીઆર ઉપરાંત હરિયાણા, રાજસ્થાન, પંજાબ, ચંદીગઢ, ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળના હિમાલય પ્રદેશ, આસામ અને ત્રિપુરામાં સવારે ગાઢ ધુમ્મસ નોંધાયું હતું.
ગાઢ ધુમ્મસને કારણે રફતાર પર પણ બ્રેક લાગી ગઈ છે. ઉત્તર રેલવેની 14 ટ્રેનો તેમના નિર્ધારિત સમય કરતાં મોડી દોડી રહી છે. દિલ્હીમાં હવાની ગુણવત્તા પણ ગંભીર કેટેગરીમાં નોંધાઈ છે. આજે સવારે AQI 431 નોંધાઈ હતી.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી બે દિવસ સુધી સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીમાં કોઈ ઘટાડો થશે નહીં. લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા પણ નીચે નોંધાઈ શકે છે. આઇએમડીના મતે હરિયાણા,દિલ્હી,ચંદીગઢ,બિહાર,ઉત્તર પ્રદેશ,રાજસ્થાન,મધ્યપ્રદેશમાં આગામી બે દિવસ શીત લહેર શરૂ રહેશે.
-દેવાંશી