- ભારતમાં જોરદાર ઠંડી
- દિલ્હીમાં 122 વર્ષનો તૂટ્યો રેકોર્ડ
- 106 લોકોના થયા મોત
દિલ્હી: ઉત્તર ભારતમાં અત્યારે જોરદાર ઠંડી પડી રહી છે, મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રી કરતા પણ નીચ જતો રહ્યો છે ત્યારે દિલ્હીમાં ઠંડીએ 122 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. જાણકારી અનુસાર દિલ્હીમાં જાન્યુઆરી 2022માં અત્યાર સુધીમાં 88 મીમી વરસાદ પડયો છે, જેણે 122 વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. અગાઉ 1995 અને 1989માં જાન્યુઆરી મહિનામાં આવો વરસાદ પડયો હતો. હવામાન વિભાગે જણાવ્યું કે, દિલ્હી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સહિત ઉત્તર ભારતના રાજ્યોને હજુ કેટલાક દિવસ ઠંડીથી રાહત મળવાની શક્યતા નથી.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, દિલ્હીમાં આ વર્ષે જાન્યુઆરીમાં ઠંડીનો સ્પેલ સૌથી લાંબો ચાલ્યો છે. આવા સમયે એક એનજીઓ સેન્ટર ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ (સીએચડી)એ દાવો કર્યો હતો કે દિલ્હીમાં જાન્યુઆરી મહિનામાં 106 લોકોનાં મોત નીપજ્યાં હતા, જેમાં મોટભાગે બેઘર લોકોનો સમાવેશ થાય છે. જોકે, દિલ્હી અર્બન શેલ્ટર ઈમ્પ્રુવમેન્ટ બોર્ડ (ડીયુએસઆઈબી)એ બધા જ મોત ઠંડીથી થયા હોવાનો ઈનકાર કર્યો છે.
ઉત્તર પ્રદેશમાં બે દિવસથી નિયમિત સમયાંતરે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી વરસાદની ચેતવણી આપી છે. કેટલાક વિસ્તારમાં કરાંવૃષ્ટિની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.