- હરિયાણા, પંજાબ અને ઉત્તરપ્રદેશના તાપમાનમાં ઘડાટો
- કડકડતી ઠંડીને પગલે જનજીવનને થઈ અસર
નવી દિલ્હીઃ પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં બરફ વર્ષા થઈ છે. બરફ વર્ષાને કારણે પહાડો પર બરફની સફેદ ચાદર પથરાઈ ગઈ છે. બંને રાજયમાં થયેલ બરફ વર્ષાનાં કારણે હિમાલયની તળેટીમાં રહેલ મેદાની રાજ્ય હરિયાણા, પંજાબ, ઉત્તરપ્રદેશના તપમાનમાં ઘટાડો થયો છે. લોકોએ ઠંડીનો ચમકારો અનુભવ્યો છે. દિલ્હી એન.સી.આર પહેલાંથી જ ખરાબ હવામાનનો માર સહન કરતું હતું ત્યારે હવે ઠંડી વધતા વાતાવરણ વધુ અસહનીય બન્યું છે. ઉત્તર ભારતમાં કડકડથી ઠંડીને પગલે જનજીવનને પણ અસર પડી છે.
ઉત્તરભારતના હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પડેલી બરફ વર્ષાને પગલે ઉત્તર ભારતના રાજ્યોમાં લઘુત્તમ તાપમાનમાં ઘડાટો થયો છે. ઉત્તર ભારતના રાજ્ય ઉત્તરપ્રદેશ, પંજાબ સહિતના મેદાની પ્રદેશોમાં શીત લહેરનું મોજુ ફરી વળ્યું છે. જેથી લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. દરમિયાન આજે ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં સવારે ધુમ્મસની ચાદર છવાઈ હતી. જેથી દિલ્હીમાં હવાઈ સેવાને પણ અસર પડી હતી. આ ઉપરાંત કેટલાક રાજ્યોમાં વાહન વ્યવહારને પણ વ્યાપક અસર પડી છે. બીજી તરફ ઉત્તર ભારતના રાજ્યોમાં આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો જોવા મળવાની આગાહી હવામાન નિષ્ણાતોએ વ્યક્ત કરી છે.
બીજી તરફ ગુજરાત અને રાજસ્થાનમાં પણ ધીમે-ધીમે ઠંડીનું જોર વધી રહ્યું છે. ગુજરાતમાં કમોસમી વરસાદને પગલે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે તેમજ વાતાવરણમાં ઠંકડ પ્રસરી ગઈ છે. જેથી લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે.