Site icon Revoi.in

સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકામાં કમોસમી વરસાદના છાંટણાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી

Social Share

ખેડબ્રહ્માઃ રાજ્યમાં કેટલાક સ્થળોએ ભર ઉનાળે વાતાવરણમાં પલટો આવ્યો હતો. તાજેતરમાં સૌરાષ્ટ્રના રાજકોટ અને જામનગર જિલ્લામાં માવઠું પડ્યા બાદ ઉત્તર ગુજરાતમાં પણ કેટલાક સ્થળોએ કમોસમી વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા. અસહ્ય ગરમી વચ્ચે બપોર બાદ સાબરકાંઠાના વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના મટોડા ગામે ઝરમર ઝરમર વરસાદ પડ્યો હતો. જેથી લોકોને ગરમી સામે રાહત થઈ હતી.

રાજ્યમાં છેલ્લા સપ્તાહમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક સ્થળોએ વાતાવરણમાં પલટો આવતા અસહ્ય ગરમી સહન કરી રહેલા લોકોને થોડી રાહત મળી હતી. તાજેતરમાં રાજકોટના ગોંડલ, કોટડા સાંગણી અને જામનગર જિલ્લાના કેટલાક સ્થળોએ માવઠું પડ્યું હતું ત્યારબાદ ઉત્તર ગુજરાતના ચાણસ્મામાં પણ જોરદાર પવન સાથે કમોસમી વરસાદના છાંટણા પડ્યા હતા. ત્યારબાદ ગઈકાલે સાબરકાંઠાના ખેડબ્રહ્મમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો ખેડબ્રહ્મા પાસે આવેલા મટોડા ગામે બપોરના 3 વાગ્યા બાદ ઝરમર વરસાદ વરસ્યો હતો. જેથી કાળઝાળ ગરમીમાં લોકોએ કમોસમી વરસાદ વરસતાં રાહતનો દમ લીધો હતો. ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડક મેળવવા માટે લોકો છાસ, લીંબુ પાણી અને ઠંડા પીણા પીને રાહત મેળવતાં હોય છે. ત્યારે વાતાવરણમાં પલ્ટો થતાં લોકોને ગરમી સામે રાહત મળી હતી.

સાબરકાંઠા જિલ્લામાં તાપમાન 41 ડીગ્રી નોંધાયું હતુ. અને બપોર બાદ કમોસમી વરસાદને પગલે લોકોને રાહત થઈ હતી. આકરા તાપમાન વચ્ચે લોકો ઘરની બહાર નીકળતા પણ વિચાર કરે છે. ત્યારે અચાનક વરસાદના આગમનથી લોકોમાં ખુશી જોવા મળી હતી. શુક્રવારે સવારથી જ વાતાવરણમાં બદલાવ આવતો દેખાતો હતો. જે બપોરના સમયગાળા દરમિયાન ઝરમર વરસાદના રૂપે પડતાં વાતાવરણમાં શીતળતા પ્રસરી ગઈ હતી.