અમદાવાદઃ ઉત્તર ભારતમાં પડેલી હિમ વર્ષા વચ્ચે ગુજરાતમાં શીત લહેરનું મોજુ ફરી વળ્યું છે. ગુજરાતમાં ઠંડો પવન ફુંકાતા લોકો કડકડતી ઠંડી અનુભવી રહ્યાં છે. દરમિયાન માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ગગડીને લઘુત્તમ તાપમાન માઈનસ 5 ડિગ્રીએ પહોંચ્યું છે. જેથી ગુરૂ શિખર ઉપર બરફના થર જામી ગયા છે.
ગુજરાતમાં કડકડતી ઠંડી પડી રહી છે. તા. 31મી જાન્યુઆરી સુધી ઠંડીનો ચમકારો રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતમાં ઠંડા પવન ફુંકાતા લોકો કડકડતી ઠંડીનો અહેસાસ કરી રહ્યાં છે. તેમજ ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લઈ રહ્યાં છે. માઉન્ટ આબુના ગુરૂ શિખર પર બરફના થર જામી ગયા છે. તેમજ પ્રવાસીઓ ઠંડા પવનના સુસવાટાથી ઠુંઠવાયા હતા. માઉંટ આબુમાં તાપમાન માઇનસ 5 ડિગ્રી જેટલું નોંધાયું હતું. પારો ગગડતા લોકોના વાહનો, ઘર, અગાશી વગેરે પર બરફના થર જામી ગયા હતા. લોકના ઘરની બહાર રાખેલ પાણી પણ બરફમાં ફેરવાયુ છે.
ઉત્તર ભારતમાં ઠંડીનું તીવ્ર મોજું યથાવત રહેતા હિમાચલ પ્રદેશના શિલોંગ, કલ્પા અને મનાલીનું લઘુતમ તાપમાન શૂન્ય ડિગ્રી સેલ્સિયસથી નીચે રહ્યું હતું. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે ત્રણ દિવસમાં દિલ્હીમાં ઠંડીનું પ્રમાણ વધશે અને તાપમાનમાં ચાર ડિગ્રી સુધીનો ઘટાડો થઇ શકે છે.