- અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનો ચમકારો
- નલિયામાં 3.8 ડિગ્રી જેટલુ લઘુત્તમ તાપમાન નોંધાયું
- આગામી દિવસોમાં ઠંડી વધવાની આગાહી
અમદાવાદઃ ગુજરાતમાં શિયાળો જામ્યો છે અને ઠંડા પવન ફુંકાતા લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. આજે બીજા દિવસે કોલ્ડવેવ યથાવત રહ્યો હતો. રાજ્યના મોટાભાગના શહેરોનું લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. ભુજમાં 9, રાજકોટ, જામનગર, અમરેલી, કંડલામાં 10 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું હતું. સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડો પવન ફુંકાતા લોકો ઠુઠવાયાં હતા. રાજ્યમાં સૌથી નીચું તાપમાન નલિયામાં 3.8 ડિગ્રી જેટલું રહ્યું હતું.
ભૂજમાં લઘુતમ તાપમાનનો પારો આજે બે ડિગ્રી નીચે ઊતરી ગયો છે અને આજનુ લઘુતમ તાપમાન 9 ડિગ્રી નોંધાયુ હતું. રાજકોટમાં 10.3 ડિગ્રી, જામનગર અને અમરેલીમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નોંધાયું હતું. કંડલામાં 10.5 ડિગ્રી, ભાવનગરમાં 14.8 ડિગ્રી જેટલુ નોંધાયું હતું. અમદાવાદમાં ઠંડીથી લોકો ઠુઠવાયાં હતા. અમદાવાદ સહિતના શહેરી વિસ્તારમાં રાતના સમયે રસ્તા સૂમસામ બની જાય છે. તેમજ લોકો ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લીધો હતો. હજુ ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે.