ગુજરાતમાં શીતલહેરનું મોજુ ફરી વળ્યું, નલિયામાં કોલ્ડવેવની આગાહી
અમદાવાદઃ ગુજરાતમાં શીત લહેરનું મોજુ ફરી વળ્યું છે. જેથી પ્રજા કડકડતી ઠંડીનો અનુભવ કરી રહી છે. આજે અમદાવાદમાં લઘુત્તમ તાપમાનનો પારો 12 ડિગ્રીની આસપાસ રહ્યો હતો. જો કે, નલિયા સૌથી ઠંડુ નગર રહ્યું હતું. નલિયામાં લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી નોંધાયું હતું. ગુજરાતમાં ગાત્રો થીજતી ઠંડીને કારણે જનજીવનને પણ વ્યાપક અસર પડી છે. વહેલી સવારે અને રાતના સમયે લોકો કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજકોટમાં 8.8 ડિગ્રી, કંડલામાં 9.4 ડિગ્રી, ભુજમાં 10 ડિગ્રી, કેશોદમાં 7.6, અમદાવાદમાં 12.4 ડિગ્રી અને નલિયામાં 5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં કડકડતી ઠંડીનો લોકોએ અનુભવ કર્યો હતો. રાજ્યમાં આગામી તા. 15મી જાન્યુઆરી સુધી આવી જ ઠંડી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. તેમજ નલિયામાં કોલ્ડવેવની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ઠંડીનો ચમકારો વધતા જનજીવન ઉપર પણ અસર પડી છે. તેમજ લોકો ગરમીમાં રાહત મેળવવા માટે ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લઈ રહ્યાં છે.