અમદાવાદઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં પલટો આવતા અનેક વિસ્તારોમાં માવઠું પડ્યું હતુ. અનેક વિસ્તારોમાં કરા પડયા હતા. આજે રવિવારે પણ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાંયુ વાતાવરણ જોવા મળ્યું હતું. ગઈકાલે રાતથી શનિવારે સવાર સુધી રાજ્યના ઘણાબધા વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાંથી ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું.
સમગ્ર રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે શુક્રવારે મોડી રાતથી વાતાવરણમાં પલટો આવ્યો હતો, અને શનિવાર અને આજે રવિવારે પણ વાદળછાંયુ વાતાવરણથી ખેડુતો ચિંતિત બન્યા હતા. ગાંધીનગર જિલ્લામાં કમોસમી વરસાદના ઝાંપટા પડ્યા હતા. શનિવારે દહેગામ પંથકમાં છૂટા છવાયો વરસાદ થયો હતો. જ્યારે રાત્રિ દરમિયાન જિલ્લાના અનેક ભાગોમાં પણ માવઠું થયું હતું. જેની અસર રવિવારે સવારે પણ યથાવત રહી છે. હજુ પણ સોમવારે બપોર સુધી વાદળછાયું વાતાવરણ રહેશે, ત્યારબાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા છે.
ગાંધીનગરના રાયસણ, કુડાસણ, સરગાસણ તેમજ સેકટર વિસ્તારોમાં કમોસમી વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા. અને સુસવાટા મારતા પવન ફૂંકાયો હતો. માવઠાના કારણે બટાકા, ચણા, તમાકુ સહિતના અનેક રવી પાકને મોટું નુકસાન થઈ શકે છે. શાકભાજીના પાકમાં વાદળછાયા વાતાવરણના કારણે જીવાત અને ઈયળનો ઉપદ્રવ વધી શકે છે. હજુ પણ કાલે સોમવારે બપોર સુધી વાદળછાયું વાતાવરણ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગુજરાતમાં સોમવારે બપોર સુધી કડકડતી ઠંડી વચ્ચે કમોસમી માવઠાની અસર વર્તાશે, ઉત્તર અને મધ્ય ગુજરાતના 10 જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા છે. જેમાં દાહોદ, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, અમદાવાદ, ગાંધીનગરમાં માવઠું પડી શકે છે. કાલે 30મી તારીખથી ફરી રાજ્યમાં કડકડતી ઠંડી પડશે.