ગુજરાતમાં વાદળછાંયા વાતાવરણ સાથે ઠંડીનું જોર યથાવત રહેશે, ગાંધીનગર બન્યું કોલ્ડસિટી
અમદાવાદઃ રાજ્યમાં શિયાળાના બે મહિના બાદ પોષ મહિનાથી ઠંડીમાં આંશિક વધારો થયો છે. દર વર્ષની સરખામણીએ આ વર્ષે શિયાળાની મોસમ થોડી મોડી જામી છે. ઉત્તરાણ બાદ હાલ સમગ્ર રાજયમાં શિયાળાનો માહોલ જામ્યો છે. આગામી દિવસોમાં પણ આ પ્રકારનો માહોલ રહે તેવી હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. સાથે વાદળછાંયુ વાતાવરણ રહેશે. આગામી પાંચ દિવસમાં રાજ્યના વાતાવરણમાં વધુ ફરક આવે તેવી શક્યતા નથી. તાપમાન યથાવત્ રહેશે અને એકથી બે ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધ ઘટ થઈ શકે છે. આ ઉપરાંત ગુજરાતના અન્ય ભાગો કરતાં મધ્ય ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ સામાન્ય કરતા થોડા અંશે વધુ રહે તેવી શક્યતા છે.
રાજ્યના હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ હાલ ઉત્તર-પૂર્વ તરફથી ઠંડા પવનો ફુંકાઈ રહ્યા છે. તેના લીધે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. સાથે જ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાંયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. આગામી પાંચ દિવસમાં રાજ્યના વાતાવરણમાં વધુ ફરક આવે તેવી શક્યતા નથી. તાપમાન યથાવત્ રહેશે સામાન્ય રીતે શિયાળા દરમિયાન નલિયાનું તાપમાન સમગ્ર રાજ્યમાં સૌથી ઓછું હોય છે, પરંતુ હાલમાં ગાંધીનગર જિલ્લાનું તાપમાન નલિયા કરતા પણ ઓછું નોંધાયું છે. પાટનગર ગાંધીનગરમાં ગત 24 કલાકનું તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ગાંધીનગર કોલ્ડસિટી બન્યુ છે. તદુપરાંત ડીસામાં 11.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. અમદાવાદ શહેરમાં 13 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
હવામાન વિભાગના સૂત્રોએ ઉમેર્યું હતું કે, કચ્છના નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાતું હોય છે, પરંતુ છેલ્લા 24 કલાકમાં નલિયાનું તાપમાન 12.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તેની પાછળનું કારણ નલિયા તરફ પશ્ચિમી પવનો ફુંકાઈ રહ્યા છે. જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગો પર ઉત્તરીય પવનો ફૂંકાવાને કારણે ઠંડીનું પ્રમાણ વધુ છે. તથા દરિયાકાંઠાના વિસ્તારોમાં અને ખાસ કરીને નલિયા પશ્ચિમ દિશાના પવનો ફૂંકાતા હોવાથી ત્યાનું તાપમાન મધ્ય ગુજરાતની સરખામણીએ વધુ છે.