Site icon Revoi.in

અદાણી ફાઉન્ડેશન અને NIE ઇન્ટરનેશનલ વચ્ચે STEM લીડરશિપ માટે સહયોગ

Social Share

અમદાવાદ, 14 એપ્રિલ 2023: અદાણી ફાઉન્ડેશન અને NIE ઇન્ટરનેશનલ વચ્ચે STEM લીડરશિપ પ્રોગ્રામ માટે કોલોબરેશન કરવામાં આવ્યું છે. સિંગાપોર સ્થિત નાન્યાંગ ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (NTU)ના STEM પ્રોગ્રામને સુપેરે ચલાવવા પરસ્પર સહયોગ કરવામાં આવશે. જેમાં અદાણી ફાઉન્ડેશનની 6 શાળાના 42 શિક્ષકોને સિંગાપોર સ્થિત ટેમાસેક ફાઉન્ડેશન દ્વારા તાલીમ આપવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમ એપ્રિલ 2023 થી ડિસેમ્બર 2025 (3વર્ષ) દરમિયાન છ તબક્કામાં હાથ ધરવામાં આવશે. આ કાર્યક્રમનો પ્રથમ તબક્કો 14 થી 16 એપ્રિલ સુધી નિર્ધારીત કરવામાં આવ્યો છે.

STEM (વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત) લીડરશીપ તાલીમના પ્રથમ ચાર તબક્કા અને છઠ્ઠો તબક્કો અમદાવાદમાં NIE ના છ નિષ્ણાતો દ્વારા હાથ ધરવામાં આવશે. જેમાં ગુજરાતમાં STEM શિક્ષણની સ્થિતિ, STEM ઉદ્યોગોની બેઝ લાઇનનો અભ્યાસ, સંકલિત STEM અભ્યાસક્રમનું ફ્રેમવર્ક વિકસાવવું, ઓનલાઈન અને વ્યક્તિગત વર્કશોપ, STEM અભ્યાસક્રમના નેતૃત્વનું નિર્માણ અને રાષ્ટ્રીય સ્તરની ત્રીદિવસીય કોન્ફરન્સમાં શિક્ષણનો વ્યાપ વધારવા માસ્ટર ટ્રેનર્સના અનુભવો વગેરે સામેલ કરવામાં આવ્યા છે.

પાંચમા તબક્કામાં સહભાગીઓ સિંગાપોરની યુનિવર્સિટીઓ અને STEM કંપનીઓમાં હેન્ડ-ઓન વર્કશોપથી ઉભરતી તકનીકો અને ઈનોવેશન અંગે વિસ્તૃત માહિતી મેળવવા સિંગાપોરની કંપનીઓની મુલાકાત લેશે. એટલું જ નહી, તેઓ અભ્યાસક્રમનું નિરીક્ષણ અને નવું શીખવા શિક્ષકો સાથે વાર્તાલાપ માટે શાળાઓની મુલાકાત લેશે. જેનાથી સિંગાપોર અને ભારત વચ્ચે STEM શિક્ષકોનું મજબૂત નેટવર્ક બનશે.

આ દ્વિપક્ષીય સહયોગથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 સુસંગત STEM અભ્યાસક્રમ વિકાસાવવામાં મદદ મળશે. જેમાં ધોરણો, મૂલ્યાંકન સાધનો, પ્રસ્તાવિત અભિગમો અને સૂચિત પ્રવૃત્તિઓને આવરી લેવામાં આવશે. સમાવેશી ફ્રેમવર્ક ધરાવતા અભ્યાસક્રમને દેશના વિવિધ શૈક્ષણિક બોર્ડમાં અમલ કરવા ભલામણ કરવામાં આવશે.

દેશના વિદ્યાર્થીઓને સશક્ત બનાવવા STEM શિક્ષણમાં અપાર સંભાવનાઓ રહેલી છે. યુવાધનની જિજ્ઞાસાને સંતોષવામાં તે સહાયક નીવડશે. જેનાથી તેઓ કુશળ વ્યાવસાયિકો બની સમસ્યાઓના નવા અને અસરકારક ઉકેલો શોધી શકશે. આ STEM લીડરશીપ પ્રોગ્રામ અદાણી ફાઉન્ડેશનના શિક્ષણ પ્રત્યેના સમર્પિત પ્રયાસોનું પ્રતિબિંબ છે. ફાઉન્ડેશન મહત્તમ બાળકોને ગુણવત્તાયુક્ત અને સુલભ શિક્ષણ ઉપલબ્ધ કરાવવાના પ્રયાસરત છે. ફાઉન્ડેશન દ્વારા દેશભરમાં અનેક સ્થળોએ વિનામૂલ્યે શાળાઓ, સબસિડીવાળી શાળાઓ અને સ્માર્ટ લર્નિંગ પ્રોગ્રામ ચલાવવામાં આવી રહ્યા છે.