અમદાવાદમાં બાકી પ્રોપર્ટી ટેક્સ સામે વસુલાત ઝૂંબેશ, 6775 મિલકતોને સીલ, 144 એકમોને નોટિસ
અમદાવાદઃ શહેરમાં ઘણાબધા પ્રોપર્ટીધારકોનો વર્ષોથી મિલકત વેરો બાકી છે. વારંવાર નોટિસ આપવા છતાંયે બાકી ટેક્સની વસુલાત થતી નથી. આથી બાકી વેરો હોય એવી કોમર્શિયલ પ્રોપર્ટી સામે સિલિંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. એએમસી દ્વારા શુક્રવારે કુલ 6,775 જેટલી મિલકતોને સીલ કરવામાં આવી હતી. સૌથી વધુ પૂર્વ ઝોનમાં કુલ 3,111 જેટલી મિલકતોને સીલ કરવામાં આવી હતી. જેમાં નિકોલ એશિયા હાઇપર માર્કેટ, ગુજરાત વેપારી મહાજન મંડળ, રસપાન પાર્ટી પ્લોટ રોડ એસજી હાઇવે પર એસજી બિઝનેસ હબ સહિતના શહેરના તમામ વિસ્તારોમાં બાકી વેરા વસુલાત માટે મિલકત સીલ કરી હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી ટેક્સની ભરપાઈ કરવા માટે વ્યાજમાફી સ્કીમ અમલમાં મુકવાની સાથે જે કરદાતાઓ વર્ષોથી તેમનો બાકી મિલકતવેરો ભરપાઈ કરતા નથી એમની મિલકતોને સીલ કરી ટેકસની વસૂલાત કરવામાં આવી રહી છે. શુક્રવારે મિલકત સીલીંગ ઝૂંબેશ કરાતા 9.03 કરોડની આવક મ્યુનિસિપલ કોર્પોરેશનને થઈ છે. જો આગામી દિવસોમાં રહેણાંકના મિલકત ધારકો દ્વારા ટેક્સ નહીં ભરવામાં આવે તો તેમના પાણી અને ગટર કનેક્શન પણ કાપી નાખવામાં આવશે.
એએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા પ્રોફેશનલ ટેક્સના બાકી કરદાતાઓને શોધવા માટેની નવી કવાયત શરૂ કરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં જે ધંધાકીય પ્રોફેશનલ ટેક્સ ભરે છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. ટેક્સ વિભાગ દ્વારા 243 ધંધાકીય એકમોમાં તપાસ કરી હતી. જેમાં 144 ધંધાકીય એકમો દ્વારા પ્રોફેશનલ ટેક્સ ભરવામાં આવ્યો ન હોવાથી તેઓને નોટિસ આપી હતી અને કુલ 4.31 લાખ પ્રોફેશનલ ટેક્સ વસૂલવામાં આવ્યો હતો. શુક્રવારે પણ વિવિધ સ્કૂલોને પ્રોફેશનલ ટેક્સ ફરવા અંગેની નોટિસ આપવામાં આવી હતી.