ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓને રાહત દરે રહેણાંક માટેના પ્લોટ સરકાર દ્વારા ફાળવવામાં આવ્યા છે. તેમ છતાં વર્ષોથી કેટલાક પ્લોટ ધારકોએ પ્લોટ ઉપર બાંધકામ જ કરવામાં આવ્યું નહીં હોવાનું ધ્યાને આવતાં જિલ્લા કલેકટર હિતેશ કોયાએ 24 મી ફેબ્રુઆરી – 2024 સુધીમાં એટલે કે ત્રણ મહિનામાં પ્લોટ ઉપર બાંધકામ પૂર્ણ કરી વપરાશનું પ્રમાણપત્ર મેળવી લેવાનો આદેશ કરવામાં આવ્યો છે.
રાજયના પાટનગર ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓને રાહત દરે સરકાર દ્વારા પ્લોટ્સ ફાળવવામાં આવ્યા છે. જેમાં મોટાભાગના કર્મચારીઓએ રહેણાંક મકાનો બાંધી વસવાટ કરી રહ્યા છે. જો કે હજી પણ ઘણાખરા પ્લોટ ધારકોએ રાહત દરે પ્લોટ મેળવીને બાંધકામ કર્યુ નથી. ઘણાબધા પ્લોટ્સ તો વર્ષોથી ખૂલ્લા પડ્યા છે. અને બાંધકામ કરવામાં આવતું નથી. આ બાબત કલેકટરના ધ્યાન પર આવતા તેમણે આગામી ત્રણ મહિનામાં બાંધકામ પૂર્ણ કરી દેવાનો આદેશ આપ્યો છે. એટલું જ નહીં બાંધકામ પૂર્ય થયા બાદ વપરાશનું પ્રમાણપત્ર પણ લેવાનું રહેશે.
ગાંધીનગરમાં સરકારના માર્ગ અને મકાન વિભાગની તા. 24/10/1997, 8/5/2002 તથા 9/ 3/ 2006ની નીતિ તથા સને 2001 ની નીતિ અન્વયે રાહત દરે પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. છતાં ઘણા પ્લોટ ધારકો દ્વારા બાંધકામ કરવામાં આવ્યુ નથી. ત્યારે રાહત દરે ફાળવેલ પ્લોટ ઉપર બાંધકામ પૂર્ણ કરવાની મુદત માર્ચ 2022 પછીની કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે બે વર્ષ લંબાવવામાં આવી હતી. તારીખ 14 ફેબ્રુઆરી – 2024 સુધી શરતોને આધિન માર્ગ અને મકાન વિભાગ દ્વારા 25 માર્ચ 2022ના ઠરાવથી આ નિર્ણય કરવામાં આવ્યો હતો. જેથી પ્લોટ ધારકોએ પ્લોટ ઉપર બાંધકામ પૂર્ણ કરેલ ના હોય તો તેઓ ઉકત નિયત થયેલ સમયમર્યાદા સુધીમાં બાંધકામ પૂર્ણ કરી વપરાશ અંગેનું પ્રમાણપત્ર મેળવી લેવા કલેકટરે આદેશ કર્યો છે.