આંઘ્રપ્રદેશમાં બે ટ્રેન વચ્ચે ટક્કર થતા 13 લોકોના મોત, 40થી વઘુ યાત્રીઓ ઈજાગ્રસ્ત, પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો
અમરાવતીઃ વિતેલા દિવસ રવિવારની રાત્રે આંઘ્રપ્રદેશમાં બે પેસેન્જર ટ્રાન વચ્ચે ટક્કર થઈ અકસ્માત સર્જાયો હતો જેમાં અત્યાર સુઘી 13 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છએ તો 40થી પણ વઘુ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય રહ્યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આંધ્રપ્રદેશના વિજિયાનગરમ જિલ્લામાં બે ટ્રેનો સામસામે ટકરાતા આ ગંભીર અકસ્માત સર્જાયો છે. ડિવિઝનલ રેલવે મેનેજરે જણાવ્યું કે હાવડા-ચેન્નઈ રૂટ પર વિશાખાપટ્ટનમ-પલાસા પેસેન્જર ટ્રેન અને વિશાખાપટ્ટનમ-રાયગડા પેસેન્જર ટ્રેન વચ્ચે ટક્કર થઈ હતી.
વઘુ વિગત પ્રમાણે આ અકસ્માતમાં ટ્રેનના ત્રણ કોચને નુકસાન થયું હતું.હાલ પણ અહીં બચાવ કામગીરી ચાલી રહી છે. સ્થાનિક વહીવટીતંત્ર અને એનડીઆરએફને મદદ અને એમ્બ્યુલન્સ માટે જાણ કરવામાં આવી છે. અકસ્માત રાહત ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
આંધ્રપ્રદેશના સીએમ વાયએસ જગન મોહન રેડ્ડીએ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું અને અધિકારીઓને ઘાયલોને મદદ કરવા આદેશ આપ્યો. આંધ્રપ્રદેશના સીએમઓ અનુસાર, મુખ્યમંત્રીએ તાત્કાલિક રાહત પગલાં લેવા અને વિઝિયાનગરમની નજીકના જિલ્લાઓ વિશાખાપટ્ટનમ અને અનાકાપલ્લેથી શક્ય તેટલી વધુ એમ્બ્યુલન્સ મોકલવા અને સારી તબીબી સુવિધાઓ પૂરી પાડવા માટે નજીકની હોસ્પિટલોમાં યોગ્ય વ્યવસ્થા કરવા આદેશ આપ્યો હતો.
આ અકસ્માત બાદ રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે, બધાને બહાર કાઢવામાં આવ્યા છે. ટીમો તૈનાત કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્થિતિની સમીક્ષા કરી છે. મેં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી સાથે વાત કરી. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે.
આ સહીત વડા પ્રધાનના કાર્યાલયે જણાવ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદીએ રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ સાથે વાત કરી હતી અને અલામંદા અને કંટકપલ્લે સેક્શન વચ્ચેની દુર્ભાગ્યપૂર્ણ ટ્રેનને લઈને વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. અધિકારીઓ અસરગ્રસ્ત લોકોને શક્ય તમામ મદદ કરી રહ્યા છે. વડાપ્રધાને મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. દરમિયાન, પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી હતી.