કોલંબિયા: સૈનિકો માટે પુરવઠો લઈ જતું આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ, નવ સૈનિકોના મોત
નવી દિલ્હીઃ સૈનિકો માટે પુરવઠો લઈ જતું આર્મી હેલિકોપ્ટર ઉત્તરી કોલમ્બિયાના ગ્રામીણ વિસ્તારમાં ક્રેશ થયું હતું, જેમાં સવાર નવ સૈનિકોના મોત થયા હતા. કોલંબિયાના સૈન્યએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, હેલિકોપ્ટર સાન્ટા રોઝા ડેલ સુરની નગરપાલિકામાં સૈનિકો માટે પુરવઠો લઈ જઈ રહ્યું હતું. આ વિસ્તારમાં તાજેતરમાં નેશનલ લિબરેશન આર્મી ગેરિલા જૂથ અને ‘ગલ્ફ ક્લાન’ તરીકે ઓળખાતી ડ્રગ હેરફેર કરતી ગેંગ વચ્ચે અથડામણ જોવા મળી હતી. સેનાએ હેલિકોપ્ટર ક્રેશને અકસ્માત જાહેર કર્યો છે.
કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “મને લશ્કરી હેલિકોપ્ટર પર સવાર નવ મુસાફરોના મૃત્યુનો ખેદ છે.” તે સૈનિકોને સામાન સપ્લાય કરી રહ્યું હતું જેઓ ગલ્ફ ક્લાન વિરુદ્ધ ઓપરેશન ચલાવી રહ્યા હતા, સેનાએ જણાવ્યું હતું કે સ્થાનિક સમય અનુસાર બપોરે 1:50 વાગ્યે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.