આવો, આપણે મતદાનના મહોત્સવને ઊજવીએ (લેખાંક-5)
(સુરેશભાઈ ગાંધી)
- અફઘાનિસ્તાનમાં તાલીબાનોના ફતવાની અવગણના કરી સફીઉલ્લાહે મતદાન કર્યું પછી…
- હાલમાં ચૂંટણીઓ ચાલે છે તેવે સમયે એક પ્રેરણાદાયી ઘટનાથી લેખનો પ્રારંભ કરીએ.
ઘટના અફઘાનિસ્તાનની છે અને સપ્ટેમ્બર, ૨૦૧૪માં બનેલી છે. અફઘાનિસ્તાનમાં ૨૦૧૪માં તાલિબાનોએ ફતવો બહાર પાડેલો કે, સરકાર યોજિત ચૂંટણીમાં કોઈ મતદાન કરવા જશે નહીં. તાલિબાનોના ફતવા એટલા જડબેસલાક અને ડરામણા હોય છે કે ફતવાનો ભંગ કરનારને જાન ગુમાવવાની તૈયારી રાખવી પડતી હોય છે. આમ છતાં આશ્ચર્યની વાત એ બની કે, તાલિબાનોનો ફતવો હોવા છતાં સફીઉલ્લાહ સફી નામના એક હિંમતબાજ અને જાગ્રત નાગરિકે ફતવાની ઐસી-તૈસી કરી મતદાન કર્યું. મતદાન કર્યાના બીજા દિવસે સફીઉલ્લાહ કાબુલ જવા નીકળ્યા. હવે રસ્તામાં તેમની શી દશા થઈ તેની વાત તા. ૧ ઓક્ટોબર, ૨૦૧૯ના દિવ્ય ભાસ્કરમાં છપાઈ હતી તે જોઈએ. સફીઉલ્લાહે પોતાની વ્યથા વર્ણવતાં કહ્યું કે, કાબુલના પ્રવાસ સમયે રસ્તામાં તાલિબાનોની એક ટુકડીએ મારી આંગળી પર વોટગ કર્યાની નિશાની જોતાં તેમણે મને ગાડીમાંથી નીચે ઉતાર્યો અને દૂર લઈ ગયાં, જ્યાં વૃક્ષ નીચે તાલિબાનોની કોર્ટ બેઠી હતી. તેમના મુખીએ મને કહ્યું, `અમે તમને ચેતવણી આપી હતી તેમ છતાં તમે વોટગમાં કેમ ભાગ લીધો? એમ કહી તેમણે મારા હાથની આંગળી ધારદાર શસ્ત્રથી કાપી નાખી, જેના પર મતદાન કર્યાનું નિશાન હતું. હવે ૨૦૧૯માં ફરી રાષ્ટ્રપતિની ચૂંટણી આવી. આ વખતે મારા પરિવારે ભયના માર્યા વોટગ કરવા જવાની મને ના પાડી, તેમ છતાં મેં વોટગ કર્યું જ. અલબત્ત મારા એક હાથની આંગળી તો કપાઈ ગઈ હતી. તેથી મતદાન બાદ મારા બીજા હાથની આંગળી પર શાહી લગાવડાવી. મતદાન કરીને બહાર આવ્યો પછી મેં કહ્યું કે, દેશની વાત આવે તો હું મારો આખો હાથ કપાવીને પણ મતદાન તો જરૂરથી કરીશ.
હવે આપણે વર્તમાનમાં થઈ રહેલી ચૂંટણી તરફ નજર કરીએ. એક બાજુ અફઘાનિસ્તાનમાં તાલિબાનોના ડર અને ખોફ વચ્ચે સફીઉલ્લાહ જેવા નાગરિકો જીવના જોખમે મતદાન કરવા બહાર નીકળે છે ત્યારે ભારત કે જ્યાં કોઈ પ્રકારનો ડર કે ખોફ નથી તેમ છતાં મતદારો મતદાન કરવા જતા નથી તે વાત આપણી લોકશાહી અને આગામી દિવસોમાં રચાનારી સરકાર માટે ચિંતાજનક બાબત ગણાય. કારણ કે ચૂંટણીના પ્રથમ તબક્કામાં ૧૦૨ સંસદીય બેઠકો પર થયેલું મતદાન ૨૦૧૯માં થયેલા મતદાન કરતાં ૮ ટકા ઓછું નોંધાયું છે.
- મતદાનનો બહિષ્કાર ન કરાય
મતદાનનો સમય આવે છે ત્યારે મતદારોની નાની-નાની માગણીઓ અને લાગણીઓને ઉશ્કેરી મતદાનનો બહિષ્કાર કરવાના પ્રસંગો જોવા મળ્યા છે. ગત ગુજરાત વિધાનસભા માટે થયેલી ચૂંટણીના સમયે અમદાવાદ ઓઢવની હાઉસિંગ સોસાયટીમાં વણઉકલ્યા પડતર પ્રશ્નોને લઈને સોસાયટી બહાર બોર્ડ લગાવીને મતદાનનો બહિષ્કાર જાહેર કરેલો. અરવલ્લી જિલ્લાના એક ગામનાં ગ્રામજનોએ `રોડ નહીં તો મત નહીં’ના બેનર લગાવ્યા હતા. સાબરકાંઠાના એક ગામમાં ગોચરના પ્રશ્ને મતદાનનો બહિષ્કાર કરતાં બેનરો લાગ્યાં હતાં. તો સુરેન્દ્રનગર જિલ્લાના બામણબોરના ગ્રામજનોએ એક કેમિકલ કંપનીએ ઝેરી પાણી છોડતાં જમીનનાં તળિયાં બગડ્યાં હોવાથી ચૂંટણીનો બહિષ્કાર કરતાં બોર્ડ લગાવ્યાં હતા. સાધુ સમાજના ૨૨ લાખ લોકોએ મતદાન નહીં કરવાનું એલાન કર્યું હતું. તેઓ મંદિરો અને આશ્રમોમાં વારસાઈ હક માટે લડત ચલાવી રહ્યા હતા. જામ જોધપુરના ધ્રાફા ગામે ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર જાહેર કર્યા હતો. તેનું કારણ સાવ અનોખું હતું. આ ગામમાં મહિલાઓ હંમેશાં લાજ કાઢી બહાર જતી તેથી ૧૯૫૧ની પ્રથમ ચૂંટણીથી મહિલાઓ માટે અલગ બુથની વ્યવસ્થા હતી પણ તે પછીથી મહિલાઓના અલગ બુથની વ્યવસ્થા ચૂંટણીપંચે રદ કરતાં આખા ગામે મતદાનનો બહિષ્કાર જાહેર કરેલો. સૌથી વધુ આશ્ચર્યકારક કારણ તો ૨૦૨૨માં થયેલા એક બહિષ્કારનું છે. ૨૦૨૨માં થયેલી ગુજરાત વિધાનસભા ચૂંટણી વખતે દારુબંધી ગુજરાતમાંથી દૂર કરવાની માંગ સાથે એક સંગઠને આંદોલન ચલાવેલું. દારૂની છૂટ માંગનાર આ સંગઠનમાં તેમના કહેવા મુજબ દોઢ લાખ સભ્યો છે. આ સંગઠનની માંગણી ન સંતોષાતાં સંગઠનના પ્રમુખ પદાધિકારીઓએ NOTAને મત આપવાનું એલાન કરતાં દોઢ લાખ લોકોએ NOTAને મત આપવા Online સોગંધ લીધા હતા. તો ધરમપુર-વલસાડ વિસ્તારમાં વસતા સતપથી સમાજનું મતદાનથી અલગ રહેવાનું કારણ જ ચોંકાવનારું છે. ઉપરોક્ત વિસ્તારમાં વસતા સતપથી સમાજના લોકો ભારતના કાયદા કાનૂનને માનતા નથી. તેઓ તેમના રિવાજ અને માન્યતાઓ પ્રમાણે જ ચાલે છે. આ વિસ્તારમાં ૨૦૦૦ જેટલા સતપથી મતદારો વસે છે તેઓ ક્યારેય મતદાન કરવા નીકળતા નથી. ચૂંટણી પંચના અધિકારીઓએ આ સમાજના લોકોને અગાઉની વિધાનસભા ચૂંટણી વખતે મતદાન કરાવવા સઘન પ્રયત્નો કર્યા હતા, પણ સફળતા નહોતી મળી.
- મતદાનમાં ઉદાસીનતા ન રખાય
બીજી બાજુ શહેરી વિસ્તારમાં વસતા સુશિક્ષિત મતદારો પણ મતદાન પ્રત્યે ઉદાસીનતા દાખવતા જોવા મળે છે. ૨૦૧૪માં કર્ણાટકમાં યોજાયેલ ચૂંટણીમાં ૬૭ ટકા મતદાન નોંધાયું હતું પણ ઇન્ટરનેટ સીટી તરીકે અતિ પ્રખ્યાત એવું બેંગ્લુરુ શહેર કે જ્યાં નાગરિકધર્મ જાણવાવાળા ટેક્નોસેવી લોકો રહે છે ત્યાં માંડ ૫૦ ટકા મતદાન થયું હતું. એક સમયે કર્ણાવતી શહેરની એલિસબ્રિજ બેઠકમાં પણ સાવ ઓછું મતદાન ચિંતાનો વિષય બનેલો છે.
અગાઉની લોકસભા ચૂંટણી સમયે મુંબઈમાં ૫૩ ટકા મતદાન થયેલું ત્યારે એક કાર્ટૂન ચર્ચાનો વિષય બનેલું. આ કાર્ટૂનમાં ચિતરાયેલા એક્ટિવિસ્ટોને ઊંઘતા બતાવાયા હતા અને તેમની બાજુમાં છાપુ પડેલું બતાવાયું હતું અને છાપાના પ્રથમ પાને Polling today એવું છપાયું હતું. આ કાર્ટૂન એ કહેવા માંગતું હતું કે, રોજેરોજ દેશમાં થતા બળાત્કાર, બોમ્બ બ્લાસ્ટ અને પોલીસ દમન જેવી ઘટનાઓ વખતે મીણબત્તીની રેલીઓ કાઢનાર આ એક્ટિવિસ્ટો મતદાનના દિવસે ઊંઘતા હતા. તે દિવસે મતદાન મથકો ખાલી અને થિયેટરો હાઉસફૂલના સમાચાર પણ બન્યા હતા.
ઘણી વખત મતદાન જ્યારે મતદાતા માટે પ્રાયોરિટીનો વિષય બનતો નથી ત્યારે વર્તમાનપત્રોમાં Bad News બની જતા હોય છે. અગાઉ મતદાનના સમયગાળામાં અમેરિકામાં ફ્લોરિડામાં યોજાયેલ આઈફા મહોત્સવમાં જલસો માણવા બોલીવૂડના અનેક સુપરસ્ટાર્સ વિદેશ ચાલ્યા ગયેલા અને મતદાનનો અમૂલ્ય અવસર યોજનાબદ્ધ રીતે ચૂકી ગયેલા. જેના સમાચાર તે સમયના વર્તમાનપત્રોમાં પણ છપાયા હતા. તે સમયે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ એવી ટવીટ કરેલી કે આઈફા એવા કલાકારોનું સન્માન કરશે જેઓ મતદાન કરી શક્યા નથી.
- પ્રેરણાદાયી ઘટનાઓ
આનાથી સાવ ઉલટી ઘટના ભારતમાં બની હતી તેની આપણે નોંધ લઈએ. ડિસેમ્બર, ૨૦૧૨માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી ત્યારે ૮૪ વર્ષના મણીલાલ પટેલ કે જેઓ પલીયડના મૂળ વતની છે અને અમેરિકામાં ન્યૂજર્સીમાં રહેતા હતા તેઓ ગુજરાતની ચૂંટણીમાં મત આપવા માટે ન્યૂજર્સીથી તેમના ગામ આવ્યા હતા. તેમના વિશે એવું કહેવાય છે કે, જ્યારે અમેરિકામાં ચૂંટણી હોય છે ત્યારે અમેરિકા જાય છે અને ગુજરાતમાં ચૂંટણી હોય છે ત્યારે ગુજરાતમાં આવે છે. આ સમાચાર તા. ૧૦/૧૨/૨૦૧૨ના દિવ્ય ભાસ્કરમાં છપાયા હતા. એક બાજુ ભારતના દિગ્ગજો દેશની ચૂંટણી છોડી વિદેશ ચાલ્યા જાય છે તો મણિલાલ જેવા વિદેશમાં વસતા વ્યક્તિ મતદાન કરવા વિદેશથી ભારતમાં આવે છે તે આનંદનો વિષય છે.
તેવી જ રીતે અભિક આર્ય નામના નોઈડાના મતદાતા કે જે જર્મનીમાં નોકરી કરે છે તેમણે ભારત આવતાં પહેલાં મતદાનની તારીખ ધ્યાનમાં રાખી ભારત આવવાની યોજના બનાવી છે.
હવે એક પ્રેરણાદાયી વાત પણ જાણી લઈએ. નર્મદા જિલ્લાના દેડિયાપાડાના રોજા ઘાટ ગામના ૧૨૦ વર્ષના કથુડિયા દાદા ચૂંટણીપંચના બ્રાન્ડ એમ્બેસેડર હતા. તેઓ કદી એકલા મતદાન કરવા મતદાન મથકે ન જતા, પણ પોતાના પરિવારના ૫૮ સભ્યો સાથે મતદાન કરવા જતા. અલબત્ત તેમનું ૧૨૦ વર્ષે અવસાન થયેલું પણ તેમનો આ વિશેષ પ્રકારનો અભિગમ ખૂબ પ્રભાવી બનેલો.
કેટલાંક લોકોને મતદાન મથકે લાઈનમાં ઊભા રહેવાનું ગમતું ન હોવાથી મતદાન કરવા જતા નથી તેમના માટે આપણા રાષ્ટ્રપ્રમુખનું ઉદાહરણ પૂરતું છે. ભારતના રાષ્ટ્રપતિ કે. આર. નારાયણે તમામ પરંપરા તોડીને ૧૨મી લોકસભાનાં ચુનાવ વખતે લાઈનમાં ઊભા રહી મતદાન કરેલું અને દેશના પ્રથમ નાગરિક તરીકેની ફરજ બજાવેલી. મતદાન સમયે તેમની પુત્રી ચિત્રા પણ મતદાન કરવા તેમની સાથે હતી.
પશ્ચિમ બંગાળમાં હાહાકાર સર્જાયો હતો.
હવે મતદાન બાબત દુર્લક્ષ્ય રાખનાર કે ડરના કારણે મતદાન ન કરનાર લોકોની કેવી દયાજનક દશા થઈ હતી તેની વાત કરીએ. ગત પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં જીત્યા પછી મમતાના તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો હિન્દુઓ પર તૂટી પડેલા. બંગાળના બે જિલ્લા સિવાય તમામ જિલ્લાઓમાં હારેલા પક્ષોના લોકો પર દમન થયેલું. દુકાનો અને ઘર લૂંટાયા અને બાળવામાં આવેલા. ૩૫૦ ગામોમાં લૂંટફાટ અને મારપીટના બનાવો બન્યા. ૭૦૦૦ મહિલાઓ પર છેડખાની થઈ. ૧૪૦ બળાત્કારો થયા. ૧૧ હજાર લોકોએ પોતાનાં ગામ છોડ્યાં. ૪૦૦૦ ઘર તોડાયા, ૮ ગામોમાં તો બુલડોઝરથી ઘરો તોડાયાં. ભારતમાં પહેલી વાર પશ્ચિમ બંગાળના વિપક્ષના લોકોને બંગાળ છોડી આસામમાં શરણ લેવા જવું પડે તેવી શરમજનક ઘટના બનેલી. માટે જ સંવેદનશીલ વિસ્તારોમાં મતદાતાઓએ ડર કે સંકોચ છોડી હિંમતપૂર્વક મતદાન કરવાની તાતી જરૂર છે.
- તો સરકારનો વાંક કાઢવાનો તમને અધિકાર નથી
લેખના સમાપનમાં મતદાનની ફરજ ચૂકનારને કેવો ઠપકો કોર્ટ દ્વારા મળે છે તે જોઈએ. દિલ્હીની એક NGO દ્વારા દેશમાંથી દબાણો દૂર કરવાની જાહેરહિતની અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી. સુપ્રીમની બેન્ચે અરજદારને રાજ્યની કોર્ટમાં દાદ માગવાની સલાહ આપી, ત્યારે અરજદારે દલીલ કરી કે રાજ્ય સરકાર કશું કરતી નથી, પરંતુ તેમની આ ચર્ચા દરમિયાન જજે અરજદારને પૂછી લીધું કે `તમે ક્યારેય મત આપ્યો છે ખરો?’ ત્યારે અરજદારે નિખાલસતાથી ના પાડી. ત્યારે જજે ટકોર કરી કે, `તમે મત જ ન આપ્યો હોય તો તમને સરકારનો વાંક કાઢવાનો કોઈ અધિકાર નથી.’ Voice of India નામના NGOના કાર્યકર ધનેશ ઇશદાન અરજદાર હતા અને આ ટકોર કરનાર જજ ખેહર રમણ અને ચંદ્રચૂડની બેન્ચના ન્યાયાધીશ હતા.
મિત્રો, લોકશાહી દુનિયાની શ્રેષ્ઠ અને લોકસ્વીકૃત રાજ્યવ્યવસ્થા છે, પણ તેમાં ગંભીર ત્રુટિયો અને જોખમો પણ રહેલાં છે. માટે જ એક રાજકીય ચિંતકે ચેતવણી આપી છે કે, Democracy rarely permits the country governed by the ablest people અર્થાત્ લોકશાહીમાં ભાગ્યે જ સમર્થ લોકો વડે દેશ ચલાવાતો હોય છે. મોટેભાગે નબળા લોકો દેશ ચલાવતા હોય છે, પરંતુ જો દેશ ચલાવવા સમર્થ લોકો જોઈતા હોય તો મતદાનને મહોત્સવ ગણી ૧૦૦ ટકા મતદાન કરીએ અને દેશહિતને વરેલા સમર્થ લોકોના હાથમાં દેશની ધૂરા સોંપીએ.
* (લેખકશ્રી સાધના સાપ્તાહિકના ટ્રસ્ટી છે.)