વરિષ્ઠ મોડેલ, કોમેડિયન, ફિલ્મ અને થિયેટર અભિનેતા દિનિયાર કોન્ટ્રાક્ટરનું બુધવારે 79 વર્ષની વયે અવસાન થયું છે. પરિવારના જણાવ્યા પ્રમાણે, તેઓ લાંબા સમયથી બીમાર હતા. દિનિયારનો અંતિમસંસ્કાર બુધવારે જ મુંબઈના વરલીમાં બપોરે 3.30 વાગે કરવામાં આવશે.
દિનિયારને 2019માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો હતો. પોતાના નામની જાહેરાત થયા પછી દિનિયારે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું- મને આ વાતનો વિશ્વાસ જ નહોતો આવી રહ્યો. મને લાગ્યું કે કોઈ બેવકૂફ બનાવી રહ્યું છે, પરંતુ જ્યારે અનેક ફોનકોલ્સ આવ્યા ત્યારે ખબર પડી કે મને એવોર્ડ આપવામાં આવી રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટર પર દિનિયાર સાથેનો એક ફોટો શેર કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે લખ્યું- પદ્મશ્રી દિનિયાર કોન્ટ્રાક્ટર વિશિષ્ટ હતા કારણકે તેમણે બહુ બધી ખુશીઓ ફેલાવી. તેમના બહુમુખી અભિનયે ઘણા ચહેરાઓ પર મુસ્કાન લાવી દીધી. પછી તે રંગમંચ હોય, ટેલિવિઝન હોય કે ફિલ્મો હોય, તેમણે તમામ માધ્યમો પર ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું. તેમના અવસાનથી દુઃખી છું.
1966થી કરિયરની શરૂઆત કરનારા દિનિયારને ખાસ કરીને બાઝીગર, 36 ચાઇના ટાઉન, ખિલાડી, બાદશાહ જેવી ફિલ્મો માટે ઓળખવામાં આવે છે. તેમણે ઘણા ટીવી શૉમાં પણ કામ કર્યું હતું. દિનિયારે તેમનું કરિયર થિયેટર આર્ટિસ્ટ તરીકે શરૂ કર્યું હતું. તેઓ હિંદી અને ગુજરાતી નાટકોમાં વધુ કામ કરતા હતા.