અમદાવાદઃ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધી રહ્યાં છે. જેના કારણો કોવિડ હોસ્પિટલો પણ હાઉસફુલ થઈ ગઈ છે. દરમિયાન રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા મહાનગરપાલિકા સાથે રાખી એક હજાર બેડની હંગામી હોસ્પિટલ ઉભી કરવા તૈયારીઓ શરૂ કરાઈ છે. દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 400 બેડની ઓકિસજનની સુવિધા સાથે હોસ્પિટલની અને ટેસ્ટીંગ સુવિધી ઉભી કરવાની કવાયત તેજ બનાવવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંયુક્ત રીતે કેમ્પસમાં બે તબક્કામાં કુલ 400 બેડની હોસ્પિટલનું નિર્માણ કરશે.
પ્રાપ્ત માહિતી અનુસાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હંગામી હોસ્પિટલ બનાવવા માટે ક્ધવેન્શન સેન્ટરની જગ્યા ફાળવી દીધી છે. આ જગ્યાની યુનિવર્સિટી અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ તપાસ પણ કરી હતી. અહીં પ્રથમ તબક્કામાં 200 અને બીજા તબક્કામાં 200 એમ 400 બેડની ઓક્સિજનની સુવિધા સાથેની હોસ્પિટલ બનાવાશે. સંભવત એક-બે દિવસમાં આ હોસ્પિટલનું કામ પણ શરૂ કરી દેવાશે. આ ઉપરાંત કોરોનાની સારવારની સાથે કોરોનાના એન્ટિજન કે આરટી-પીસીઆર ટેસ્ટની પણ સુવિધા યુનિવર્સિટીના ફાર્મસી ભવનની મદદથી શરૂ કરવામાં આવે તેવી શકયતા છે.
રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મહાનગરપાલિકાને સાથે રાખી શહેરમાં 1000 બેડની હંગામી હોસ્પીટલ ઉભી કરવા માટે યુદ્ધના ધોરણે તૈયારીઓ શરુ કરવામાં આવી છે. આ માટે સરકારી જમીન, મોટા પ્લોટ, પાર્ટી પ્લોટ સહિતના કંઈ જગ્યાએ અને કેટલા ચોરસ મીટર ઉપલબ્ધ છે તેની વિગત મહાનગરપાલિકા અને રૂડા પાસે મંગાવવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધવાની સાથે બેડની સંખ્યામાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે ટેસ્ટીંગ પણ તેજ બનાવવામાં આવ્યું છે.