સૌરાષ્ટ્રમાં વરાપ નિકળતા ખેતરોમાં કપાસ વિણવાનું કાર્ય શરૂ, સારાભાવની આશાએ ખેડુતો પણ ગેલમાં
રાજકોટ : સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ વિદાય લેતા અને વરાપ નીકળતા હવે એક તરફ કપાસ વિણવામાં ગતિ આવે એમ છે અને બીજી તરફ રૂના ભાવમાં તેજી થઈ ગઈ છે. રૂના ભાવમાં છેલ્લા મહિનામાં રૂ. 2300થી 2500 ઉંચકાઈને રૂ. 57,500-58,000 થઈ ગયા છે. ક્યાંક ક્યાંક રૂ. 60 હજારનો ભાવ પણ થઈ ગયો છે. રૂની તેજી નવા કપાસની આવકને વેગ આપશે. જો કે ખેડૂતો સારો સૂકો કપાસ લાવે તો જ ઉંચા ભાવ મળશે.તેવુ સૂત્રોએ જણાવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રમાં આ વર્ષે કપાસનું સારૂએવું વાવેતર થયું છે. કપાસના ઉંચા ભાવ મળતાં ખેડૂતો કપાસના વાવેતર તરફ વળ્યા હતાં પરંતુ વરસાદની છત-અછત વચ્ચે કપાસના પાકનું ચિત્ર બદલાઈ ગયું છે. આગોતરા કપાસ તૈયાર થવાના આરે હતા ત્યારે વરસાદે નુકસાની વેરી છે. ઘણાં વિસ્તારોમાં આગોતરા કપાસના પાકનો સોંથ વળી ગયો છે. તો પાછોતરા કપાસને હવે વરાપની જરૂરિયાત સમયે જ બે દિવસથી તડકા શરૂ થતાં ખેડૂતો ગેલમાં આવી ગયા છે. એ કારણે હવે કપાસની આવક વેગ પકડે એમ છે. કપાસની નવી સીઝન ખૂલવાનો સમય છે ત્યારે રૂમાં તેજી આવતા ખેડૂતો ગેલમાં છે. રૂનો ભાવ અત્યારે રૂ. 57-58,000 પ્રતિ ખાંડી છે. મિલોમાં સ્ટોકની પાઈપલાઈન ખાલી છે અને માગ નીકળતા યાર્નમિલોને સ્ટોકિસ્ટે ધાર્યા ભાવે વેચી નાખતા હોવાથી તેજી થઈ છે. જો કે અગાઉ રૂ. 55-56,000ના સ્તરે રૂ પહોંચ્યું ત્યારે ઘણા બ્રોકરો આ ભાવે રૂ વેચીને નીકળી ગયા છે. એક મહિનામાં રૂમાં થયેલી તેજી પાછળ સારી ગુણવત્તાવાળા કપાસનો અભાવ, રૂની સફેદી વિગેરે સમસ્યા કારણભૂત હોવાનું બ્રોકરો કહે છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, પ્રથમ નોરતાથી વેપારીઓ નવા કપાસના સોદાને વેગ આપશે. અત્યારે નવા માલના રૂ. 1000થી 1200માં સોદા થાય છે. હજુ ભેજવાળા માલ આવતા હોવાથી ખેડૂતોને ધાર્યા ભાવ નહીં મળે. ખેડૂતો ખૂલ્લા બજારમાં માલ સૂકવીને લાવશે તો ઉંચા ભાવ મળે તેવી શક્યતા પ્રબળ છે.