રાજકોટઃ રાજકોટમાં અઠવાડિયા પહેલા જ વરસાદ ખેંચાતા પીવાના પાણીની સમસ્યા સર્જાય તેમ લાગતું હતું આથી શહેરના મેયરે મુખ્યમંત્રીને રજુઆત કરીને આજી-1 ડેમમાં સૌની યોજના અંતરર્ગત નર્મદાના નીર ઠાલવવાની માગ કરી હતી. તેથી મુખ્યમંત્રીએ રાજકોટના આજી-1 ડેમમાં નર્મદાના નીર પહોંચાડવાનો આદેસ આપ્યો હતો. આખરે સૌની યોજનાથી નર્મદાના નીર રાજકોટના આજી-1 ડેમ સુધી પહોંચ્યા છે. અત્યાર સુધીમાં પહેલીવાર 100 કિલોમીટર અંતર માત્ર 27 કલાકમાં જ કાપી પાઈપલાઈન મારફત ધોળીધજાથી પાણી રાજકોટ પહોંચ્યું છે. શહેરમાં પાણીનું સંકટ ઊભું થતા આજીમાં 335 MCFT પાણીનો જથ્થો ઠાલવવામાં આવશે.
રાજકોટ શહેરની જીવાદોરી સમાન આજી-1 ડેમ ખાતે ફરી સૌની યોજનાથી નર્મદાના નીર આવી પહોંચ્યા છે. શહેરમાં પીવાના પાણીનું સંકટ ઊભું થતાં સૌની યોજનાથી પાણી છોડવા માંગ કરવામાં આવી હતી. બાદમાં નર્મદાના પાણી છોડવા માટે મંજૂરી મળતા જ પાણી છોડવાનું શરૂ કરાયું હતું. જોકે વચ્ચે આવતા મોટાભાગના જળાશયોમાં વરસાદના કારણે ભરાયેલ હોવાથી પાણી વહેલું પહોંચ્યું છે. સૌની યોજનાના કાર્યપાલક ઈજનેરના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં પહેલીવાર ધોળીધજાથી રાજકોટ સુધી 100 કિલોમીટર જેટલું લાંબુ અંતર પાઈપલાઈન મારફત માત્ર 27 કલાકમાં પહોંચ્યું છે. 4 પમ્પિંગ સ્ટેશને પમ્પિંગ કરીને ગુરુવારે સવારે પાણી ત્રંબા પહોંચ્યું હતું. બાદમાં બપોરે 11 વાગ્યે આજી-1 ડેમમાં નર્મદાના નીર પહોંચ્યા હતાં. બીજી તરફ શહેરની માંગ મુજબ 335 MCFT પાણીનો જથ્થો ઠલવાઈ ત્યાં સુધી પાણી છોડવાનું શરૂ રાખવામાં આવશે. હાલ વરસાદ તો વરસી રહ્યો છે, પરંતુ અપૂરતો હોવાથી નર્મદાનું પાણી છોડવાનું યથાવત્ રાખવામાં આવશે.