GTUની ઓનલાઈન પરીક્ષાનો પ્રારંભઃ પ્રથમ દિવસે 99.14% વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી
અમદાવાદઃ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા ડિપ્લોમા અને ડિગ્રી સેમેસ્ટર 1 અને 2ના વિવિધ શાખાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષાનો પ્રારંભ આજથી કરવામાં આવ્યો છે. કોવિડ-19ના સમયમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને કોઈ પણ પ્રકારનું જોખમ ઊભું ના થાય , તથા તેમના અભ્યાસને પણ કોઇ પણ પ્રકારની હાની ના પહોંચે તેની સંપૂર્ણ તકેદારીના ભાગરૂપે તમામ શાખાઓ માટે ઓનલાઈન પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યુ છે. જીટીયુના કુલપતિ પ્રો. ડો. નવીન શેઠ અને કુલસચિવ ડો. કે. એન.ખેરે પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.
રાજ્યમાં કોરોનાના કપરા કાળમાં ઓફ લાઈન પરીક્ષા લેવી શક્ય નહતી તેથી વિદ્યાર્થીઓના હિત ખાતર જીટીયુએ ઓન લાઈન પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો હતો. જીટીયુ દ્વારા આજથી ડિપ્લોમા અને ડિગ્રી સેમેસ્ટર 1 અને 2ના વિવિધ શાખાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષાનો પ્રારંભ કરાયો હતો. જેમાં સેમેસ્ટર 1 અને 2ની પરીક્ષાના પ્રથમ દિવસે જ ડિગ્રીના 99.14% અને ડિપ્લોમાના 98.79 % વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક ઓનલાઈન પરીક્ષા આપી હતી. કોરોના મહામારીના કાળમાં વિદ્યાર્થીઓએ મોબાઇલ, લેપટોપ અને ડેસ્કટોપ જેવા ઉપકરણો દ્વારા સફળતાપૂર્વક ઓનલાઈન પરીક્ષા આપી છે. આગામી દિવસોમાં અન્ય વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ માટે પણ ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરાશે. જેનાથી જીટીયુમાં અભ્યાસ કરતાં અન્ય રાજ્યોના અને વિદેશી વિદ્યાર્થીઓ તેમના વતનમાં રહીને ઓનલાઈન પરીક્ષા આપી શકશે.