Site icon Revoi.in

જન્માષ્ટમીના પંચ પર્વનો પ્રારંભઃ આજે બોળચોથ દિને ગાય માતાના પૂજનના કાર્યક્રમો યોજાયાં

Social Share

અમદાવાદઃ ગુજરાતભરમાં જન્માષ્ટમીના પર્વનું પણ અનેરૂં મહાત્મય છે. અને ચોથથી જ પાંચ દિવસના પર્વનો પ્રારંભ થઈ જાય છે.  દરેક પંચાંગ તથા જયોતિષના નિયમ મુજબ આજે બોળચોથ છે. બોળચોથના ગાય માતાની પૂજા તથા પ્રદક્ષિણા કરવામાં આવે છે. ગામડાઓમાં આજે પણ બોળચોથ ઉત્સાહથી ઉજવાય છે. મહિલાઓ ઉપવાસ કે એકટાણા કરે છે. સાંજે ગાય માતાનું પૂજન કરવામાં આવે છે. ગાયને માતા તરીકે માનવામાં આવે છે.ગાયમાં તેત્રીસ કરોડ દેવતા અને સ્થિર લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. ગાય માતાનું પૂજન કરવાથી બધા જ દેવી દેવતાઓનું પૂજન થઇ જાય છે તેમ માનવામાં આવે છે. બોળચોથના દિવસે ગાયને નવી ઝુલ, ઘંટડી અને શણગાર કરવામાં આવે છે. ઘાસ નીરવામાં આવે છે સાથે વાછરડાનું પૂજન કરાય છે.

જન્માષ્ટમીના પાંચ દિવસીય પર્વમાં નાગપાંચમનું પણ અનેરૂં મહાત્મય છે. આગામી શુક્રવારે નાગ પાંચમ છે. બધા જ મંદિરોમાં નાગદેવતાનું પૂજન થશે, લોકો આ દિવસે વહેલા ઉઠી નિત્યકર્મ પૂર્ણ કરીને ઘરના પાણીયારે અથવા મંદિરે દીવો કરી બાજરા કુલેર, નળીયેર  ધરે છે. આગલા દિવસે પલાળેલા મગ, મઠ અને કઠોળનું નૈવેદ ધરીને એકટાણું કરે છે. પૂજન કરતી વખતે નવકુળ નાગ દેવતાના નવ નામો બોલવા, અનંત, વાસુકી, શંખ, પદ્મનાભ, કંઠબલ, શંખપાલ, ધૃતરાષ્ટ, તક્ષક તથા  પીંગલ નામો બોલી નાગ દેવતાને આખુ વર્ષ નિરોગી રહે તેવી પ્રાર્થના કરવામાં આવે છે. નાગ પાંચમીના દિવસે વ્રત અને પૂજન કરવાથી જન્મ કુંડળીમાં નાગ દોષ, પિતૃદોષ હોય તો રાહત મળે છે. રાહુ જેમનો નબળો હોય તેના માટે નાગ દેવતાની પૂજા લાભકારી હોવાનું માનવામાં આવે છે.

નાગપંચમી બાદ શનિવારે રાંધણ છઠ્ઠ છે. આ તહેવારમાં શહેર તથા ગામોમાં મહિલાઓ રસોડામાં મિષ્ઠાન સહિતની સામગ્રીઓ બનાવે છે અને ચુલો ઠારવાની પરંપરા નિભાવે છે. રાંધણ છઠ્ઠનો તહેવાર શીતળા સાતમને અનુલક્ષીને મનાવવામાં આવે છે. સાતમના દિવસે રસોઇ બનાવવામાં આવતી નથી. મહિલાઓ છઠ્ઠના દિવસે બધી રસોઇ બનાવે છે. રાંધણ છઠ્ઠના દિવસે બધી રસોઇ બનાવીને રાત્રે ચુલો ઠારી બંધ કરી તેના પર ફુલની માળા, કંકુ, ચોખા, ચંદન, અબીલ ગુલાલથી પૂજન કરવામાં આવે છે. શાસ્ત્રોની  દ્રષ્ટિએ છઠ્ઠના અધિષ્ઠાતા દેવતા સૂર્ય છે. સૂર્યમાં અગ્નિતત્વ છે. રસોઇમાં પણ અગ્નિ તત્વનું મહત્વ વધારે છે. રસોઇ ઘરમાં મા અન્નપૂર્ણાનો વાસ છે. અત્યારે તો બધાના ઘેર ગેસના ચુલા આવી ગયા છે. તેનું પણ પૂજન કરવામાં આવતું હોય છે.

રાધણ છઠ્ઠ બાદ શીતળા સાતમ આવે છે, રવિવારે શીતળા સાતમ છે. શીતળા સાતમના દિવસે મા શીતળાનું પૂજન, દર્શન તથા કુલેર ધરવામાં આવે છે. ત્યારબાદ તા.30મીના સોમવારે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી છે. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકીનો નાદ ગુંજી ઉઠશે. કોરોનાના કારણે સરકારી નિયમોને અનુસરીને ઉજવણી કરવામાં આવશે. આ વખતે જન્માષ્ટમીના મેળા, જન્માષ્ટમી શોભાયાત્રા યોજાશે નહિ પરંતુ રાત્રે 12 વાગે કૃષ્ણ જન્મોત્સવ મંદિરોમાં મર્યાદિત ભાવિકોની ઉપસ્થિતિમાં ઉજવાશે.