અમદાવાદઃ ભારત માલા પ્રોજેક્ટ માટે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ઉત્તર અને મધ્ય ગુજરાતના 156 ગામની જમીન સંપાદન કરવાનું નોટીફિકેશન જાહેર કર્યું છે. આ સાથે બનાસકાંઠાના થરાદથી લઇ અમદાવાદના દસ્કોઇ તાલુકા સુધીના 213.5 કિલોમીટરના આ પ્રોજેક્ટમાં 5 જિલ્લાના 14 તાલુકાના 156 ગામની જમીન સંપાદનની કામગીરી શરૂ કરાઇ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ગત 28 જાન્યુઆરીના રોજ એક નોટીફિકેશન બહાર પડાયું હતુ. જેમાં થરાદથી દસ્કોઇ સુધીનો 213.5 કિલોમીટરના રૂટ માટે જમીન સંપાદનની કામગીરી હાથ ધરવાનો ઉલ્લેખ કરાયો છે. જોકે, નોટીફિકેશનમાં કયા હેતુ માટે જમીન સંપાદનની કામગીરી શરૂ કરાઇ છે તેનો ઉલ્લેખ કરાયો નથી. પરંતુ NHAIએ 213.5 કિલોમીટરનો જે રૂટની જમીન સંપાદન કરવાની કામગીરી હાથ ધરી છે તે ભારતમાલા પ્રોજેક્ટનો રૂટ છે. નોટીફિકેશન મુજબ, બનાસકાંઠાના 4 તાલુકાના 38 ગામ, પાટણના 2 તાલુકાના 32 ગામ, મહેસાણાના 3 તાલુકાના 27 ગામ, ગાંધીનગરના 4 તાલુકાના 46 ગામ અને અમદાવાદના 1 તાલુકાના 13 ગામની જમીન સંપાદન કરાશેનો ઉલ્લેખ કરાયો છે. ભારત માલા પ્રોજેક્ટને લીધે ઉત્તર ગુજરાતના પાંચેય જિલ્લાનો વિકાસ સારો થશે તેવું લોકોનું માનવું છે.