Site icon Revoi.in

અમદાવાદમાં સાત ઓવરબ્રિજની નીચે તેમજ બે સ્થળોએ ઓન સ્ટ્રીટ પે પાર્કિંગ સુવિધાનો પ્રારંભ

Social Share

અમદાવાદઃ શહેરમાં વસતીમાં વધારા સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થયો છે. જેના લીધે  ટ્રાફિકની સાથે સાથે પાર્કિંગની સમસ્યામાં પણ વધારો થયો છે. પાર્કિંગની સુવિધા ન હોવાથી વાહનચાલકો જાહેર રસ્તોઓ પર વાહનો પાર્ક કરી દેતા હોય છે. પાર્કિંગની સમસ્યા હલ કરવા માટે મ્યુનિ.ના સત્તાધિશો પ્રયાસો કરી રહ્યા છેય. જેમાં શહેરમાં નવા બનેલા સાત જેટલાં ઓવરબ્રિજની નીચે તેમજ બે સ્થળોએ સ્ટ્રીટ પે પાર્કિંગને મંજુરી આપવામાં આવી છે. એએમસીના એસ્ટેટ વિભાગ દ્વારા પશ્ચિમ વિસ્તારમાં 7 જેટલા બ્રિજ અને બે જગ્યાએ ઓન સ્ટ્રીટ એમ કુલ નવ જગ્યાએ પે એન્ડ પાર્કિંગ આપવા માટેના ટેન્ડર બહાર પાડ્યા છે. જેમાં શહેરના સૌથી લાંબા અંજલી ફ્લાય ઓવર બ્રિજ નીચે પણ પે એન્ડ પાર્કિંગની સુવિધા અપાશે.

એએમસીના એસ્ટેટ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ  શહેરમાં વિવિધ વિસ્તારોમાં પે એન્ડ પાર્કિંગ આપવા માટે ટેન્ડર જારી કરી દેવાયા છે.  શહેરના પશ્ચિમ વિસ્તારમાં પાલડી, રાણીપ, ભુયંગદેવ, શ્રેયસ ચાર રસ્તા, નેહરૂ બ્રિજ સહિતના વિસ્તારોમાં પે એન્ડ પાર્કિંગ માટે સુવિધા અપાશે. જેમાં નેહરૂ બ્રિજથી લઈ ગાંધીગ્રામ રેલવે સ્ટેશન સુધી ડાબી તરફ અને ગાંધીગ્રામ રેલવે સ્ટેશનને અડીને દિવાલની પેરેલલ ડાબી બાજુ પણ ઓન સ્ટ્રીટ પે એન્ડ પાર્ક કરી શકાશે. જ્યારે પાલડી વિસ્તારમાં અંજલી બ્રિજ, રાણીપ જીએસટી બ્રિજ, ચંદ્રભાગા બ્રિજ સહિત કુલ 7 બ્રિજની નીચે પે એન્ડ પાર્કિંગ કરી શકાશે. આ વિસ્તારોમાં કુલ 1100થી વધુ ટુ-વ્હિલર અને 500થી વધુ ફોર-વ્હિલર પાર્ક થઈ શકશે. જેથી આસપાસના વિસ્તારમાં કોમ્પ્લેક્સ તેમજ શોપિંગ સેન્ટરોમાં જે પાર્કિંગની સમસ્યા છે તેનો ઉકેલ આવશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, એએમસી દ્વારા શહેરના વિવિધ બ્રિજની નીચે પે એન્ડ પાર્કિંગની સુવિધા અગાઉ પણ આપવામાં આવી હતી, પરંતુ કેટલાક વિસ્તારમાં પે એન્ડ પાર્કિંગનો કોન્ટ્રાક્ટ લેવા માટે કોઈ કોન્ટ્રાક્ટર તૈયાર થતા નથી.  કોન્ટ્રકટરો પાર્કિંગનો કોન્ટ્રાક્ટ લીધા બાદ તે અધવચ્ચેથી છોડી દેતા હોય છે. અંજલી ફ્લાય ઓવરબ્રિજની નીચે પણ પાર્કિંગનો અગાઉ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. પરંતુ કોન્ટ્રાક્ટરે વચ્ચેથી જ કોન્ટ્રાક્ટ મૂકી દીધો હતો. રાણીપ જીએસટી બ્રિજની નીચે પણ છેલ્લા ત્રણ વર્ષથી પે એન્ડ પાર્કિંગ માટે ટેન્ડર બહાર પાડવામાં આવે છે. પરંતુ કોઈ કોન્ટ્રાક્ટ લેવા તૈયાર નથી.