અમદાવાદઃ દેશમાં ચોમાસાની એન્ટ્રી વખતે ગુજરાતમાં આજે કેટલાંક ભાગોમાં હવામાનમાં પલ્ટો થયો હતો. બનાસકાંઠા-સાબરકાંઠા જેવા જિલ્લાઓમાં તો અડધાથી અઢી ઈંચ વરસાદ પણ પડયો હતો.ભારતમાં જુનથી સપ્ટેમ્બર સુધી ચાલતા નૈઋત્ય ચોમાસાની એન્ટ્રી કેરળથી થાય છે. ગુજરાત સુધી પહોંચવામાં 20 દિવસ થાય છે. ચાલુ વર્ષે 15 થી 20 જુન દરમિયાન ગુજરાતમાં ચોમાસું પ્રવેશવાની આગાહી વચ્ચે કેટલાંક ભાગોમાં હવામાન પલટો થયો હતો.
રાજયમાં આજે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં એકાએક વાતાવરણ બદલાયું હતું. બનાસકાંઠામાં ઓચિંતા વાદળો ઉતરીઆવ્યા હતા અને વરસાદના ભારે ઝાપટાંથી નીચાણવાળા ભાગોમાં પાણી ભરાયા હતા. જિલ્લાના દાતામાં 60 મીમી (અઢી ઈંચ) વરસાદ થયો હતો.વડગામમાં ઝાપટા વરસ્યા હતા.
સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ હોય તેમ વડાલીયામાં સવા ઈંચ, પોસીનામાં એક ઈંચ, ખેંડબ્રહ્મામાં તથા પ્રાંતીજમાં અર્ધો ઈચ વરસાદ થયો છે. મહિસાગરનાં બાલાસિનોરમાં તથા પંચમહાલનાં સેરસામાં એક એક ઈંચ વરસાદ થયો છે. અરવલ્લી, ગાંધીનગર, પાટણ, તાપી તથા ડાંગ જિલ્લામાં પણ વાતાવરણ પલટા સાથે ઝાપટા વરસ્યા હતા. રાજયનાં 35 તાલુકામાં ઝાપટાથી માંડીને અઢી ઈંચ વરસાદ પડયો હતો.બનાસકાંઠાનાં ડીસા, કાંકરેજ, લખની, દીયોદરમાં તોફાની પવન પણ ફુંકાતા કાચા મકાનોને નુકશાન થયાના અહેવાલ છે દાહોદ તથા ભરૂચ જીલ્લામાં પણ વાતાવરણ પલટો થવા સાથે ઝાપટા પડયા હતા.
બનાસકાંઠાના દિયોદર પંથકમાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડ્યુ હતું. મોડી રાત્રે ભારે પવન ફૂંકાતા અનેક વિસ્તારોમાં કાચા મકાનો અને છાપરાઓના પતરા ઉડ્યા હતા. ભાદર ગામે પશુઓને બાંધવાનું ઢાળીયું પડતાં એક ગાયનું મોત થયું છે. તો ભારે પવનના કારણે બાજરી સહિત અનેક પાકો ઢળી ગયા છે. મોડી રાત્રે અચાનક હવામાનમાં પલટો આવતા ભારે પવનથી અનેક મકાનોના પતરા ઉડ્યા છે. દિયોદરના મોજરું ગામે ભારે પવનથી રહેણાંક મકાનોને નુકસાન થયું છે. દિયોદર સહિત અનેક પંથકમાં ખેતીના પાકોને નુકશાન પહોંચ્યું છે.