Site icon Revoi.in

વડોદરામાં વિશ્વામિત્રી નદી કાંઠા પરના દબાણો હટાવવાનો પ્રારંભ

Social Share

વડોદરાઃ શહેરમાં તાજેતરમાં વિશ્વામિત્રી નદીના પૂરને લીધે ભારે તબાહી મચી હતી. પૂરના પાણી ઉતર્યા બાદ શહેરીજનોએ પૂરની સ્થિતિ માટે નદી કાંઠા વિસ્તરોના દબાણોને કારણભૂત ગણાવ્યા હતા. અને સાથે જ મ્યુનિ.કોર્પોરેશનના અધિકારીઓની બેદરકારી સામે પણ સવાલો ઊઠ્યા હતા. ભારે વિરોધ બાદ મ્યુનિ.તંત્ર દ્વારા વિશ્વામિત્રી નદી પરના દબાણો દુર કરવાની કવાયત હાથ ધરી છે. આજે સવારે એક મોલના ગેરકાયદે ક્લબ હાઉસને તોડવાની કામગીરી શરૂ કરાઇ છે. 3000 હજાર સ્ક્વેર ફૂટ જગ્યામાં બનેલા 3 માળના ક્લબ હાઉસને દૂર કરાશે. આ દબાણ દૂર થવાથી વિશ્વામિત્રી નદી કિનારાની 3 હજાર સ્ક્વેર ફૂટ ઉપરાંત જગ્યા ખુલ્લી થશે. વડોદરા કોર્પોરેશનની દબાણ શાખા 6 JCB, અધિકારીઓ, પોલીસ બંદોબસ્ત સાથે દબાણો હટાવવાની કામગીરી પ્રારંભ કર્યો હતો.

વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદી કાંઠા વિસ્તાર અને કાંસમાં ગેરકાયદે દબાણો ખડકાયેલા હોવાથી વરસાદી પાણીના નિકાલમાં મુશ્કેલી પડે છે. શહેરીજનોની ફરિયાદ બાદ હવે મ્યુનિ.કોર્પોરેશનના તંત્ર દ્વારા દબાણો હટાવવાની કામગીરી શરૂ કરી છે. જેમાં પ્રથમ એક મોલ નજીક 3000 હજાર સ્ક્વેર ફૂટ જગ્યામાં બનાવેલું 3 માળનું ક્લબ હાઉસનું દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ક્લબ હાઉસ દૂર કરવાથી વિશ્વામિત્રી નદી કિનારાની 3 હજાર સ્ક્વેર ફૂટ ઉપરાંત જગ્યા ખુલ્લી થશે. ક્લબ હાઉસમાં ઓફિસો હતી. ઓફિસોના દરવાજા કાચના હતા. ભવ્ય ઇન્ટિરિયર ડેકોરેશન હતું. મોલના માણસો દ્વારા શક્ય તેટલું ફર્નિચર સહિત અન્ય સામાન કાઢી લેવામાં આવ્યો હતો. માત્ર ક્લબ હાઉસ નામ હતું. બાકી તેમાં ઓફિસો બનાવી વેચાણ અને ભાડેથી આપવામાં આવી હતી.

આ ઉપરાંત મ્યુનિના દબાણ શાખાની બીજી ટીમ દ્વારા શહેરના નિઝામપુરામાં ભુખી કાંસ ઉપરનાં દબાણો પણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરના મંગલ પાંડે રોડ ઉપર આવેલા એક મોલના ક્લબ હાઉસ અને ડિટર્મિંગને દૂર કરવાની કામગીરી સમયે વાહનચાલકો પણ પોતાનાં વાહનો બાજુ પર મૂકીને પાલિકાની આ કામગીરી જોવા માટે ઊભા રહી ગયા હતા. આ ઉપરાંત કેટલાક આસપાસના વિસ્તારના લોકો પણ આ કામગીરી જોવા માટે ઊમટી પડ્યા હતા.