Site icon Revoi.in

ઝાલાવાડમાં મગફળી સહિત પાકોના ટેકાના ભાવે વેચાણ માટે રજિસ્ટ્રેશનનો પ્રારંભ

Social Share

સુરેન્દ્રનગરઃ  રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ખેડુતો પાસેથી વિવિધ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી હોય છે. આ વર્ષે સરકારે વિવિધ ખરીફ પાકોના ટેકાના ભાવ જાહેર કર્યા છે. અને ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં મગફળી, અડદ, મગ અને સોયાબીનને ટેકાના ભાવે વેચાણ માટે રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં મગફળી રૂપિયા 6783, મગ રૂપિયા 8682, અડદ રૂપિયા 7400 અને સોયાબીન રૂપિયા 4892 પ્રતિ ક્વિન્ટલ ભાવ નક્કી કરવામાં આવ્યા છે. ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રોથી 31 ઓક્ટોબર સુધી રજિસ્ટ્રેશન કરાવી શકાશે. જ્યારે 11 નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરાશે.

જિલ્લના ખેતીવાડી વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે,રાજ્યના નાગરિક પુરવઠા નિગમ દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે જિલ્લામાં મગફળી, અડદ, મગ અને સોયાબીન સહિતના ટેકાના ભાવે વેચાણ માટે રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. ખેડૂતો 31 ઓક્ટોબર સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે. લાભ પાંચમ બાદ 11 નવેમ્બરથી 8 ફેબ્રુઆરી-2025 સુધી ખરીદી કરવામાં આવશે. મગફળી રૂપિયા 6783 (રૂપિયા 1356.60 પ્રતિ મણ), મગ રૂપિયા 8682 (રૂપિયા 1736.40 પ્રતિ મણ), અડદ રૂપિયા 7400 (રૂપિયા 1400 પ્રતિ મણ) તથા સોયાબિન રૂપિયા 4892 (રૂપિયા 978.40 પ્રતિ મણ) પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ જાહેર કરેલા છે.

ખેડૂતોને પોતાના ખેતી પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે દર વર્ષે નોડલ એજન્સી નાગરિક પુરવઠા નિગમ દ્વારા ટેકાના ભાવે ખેતી પાકોની ખરીદી કરવામાં આવે છે. જેનું ખેડૂતોએ નિયત કરેલી સમય મર્યાદામાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ખેડૂતો 31 ઓક્ટોબર સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે.

છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોમાં ટેકાના ભાવે ખેતી પાક વેચવાનું ચલણ વધ્યું છે. જેમાં ખેતી પાકના પોષણક્ષમ ભાવ મળી રહે છે અને તેની રકમ સીધી ખેડૂતના બેન્ક એકાઉન્ટમાં જમા થઈ જાય છે. ખેડૂતો જરુરી દસ્તાવેજ સાથે ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે સ્થાનિક કક્ષાએ વીસીઈ મારફતે તેમજ તાલુકા કક્ષાએ ગોડાઉનથી રજિસ્ટ્રેશન કરાવી શકશે. (file photo)